લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, સપ્ટેમ્બર 2026 |
5940
ઠાસરા તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળીમાં સાગમટે છ કારોબારી સભ્યોના રાજીનામા બાદ હવે વહીવટી કૌભાંડ અને ગંભીર ગેરરીતિઓના ચકચારજનક ખુલાસા સામે આવ્યા છે. રાજીનામું આપનાર કારોબારી સભ્યો દ્વારા મંડળીના ચેરમેન અને વહીવટદારો સામે સણસણતા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેનાથી શિક્ષક સભાસદોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચેરમેન પોતાની જવાબદારીઓમાંથી છટકવા રાજીનામાનું બહાનું ધરે છે પણ વહીવટી સત્તા ભોગવીને કરોડો રૂપિયા ચૂકવે છે!
કારોબારી સભ્યોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે મંડળીના ચેરમેન દિનેશ બારીયાએ મહિનાઓ પહેલાં જ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. આમ છતાં, છેલ્લા એક વર્ષથી એક પણ કારોબારી મીટિંગ બોલાવ્યા વગર તેઓ હાલમાં પણ દર મહિને આશરે રૂ. ૧.૭૫ કરોડ જેટલું મોટું ધિરાણ કઈ સત્તા અને નિયમ હેઠળ આપી રહ્યા છે? આ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
આ સમગ્ર વિવાદમાં મંડળીના મંત્રીની ભૂમિકા સામે પણ શંકાની સોય ચીંધાઈ રહી છે. જાે પ્રમુખનું રાજીનામું પહેલા જ પડી ચૂક્યું હોય તો મંત્રી કઈ રીતે તેમને તમામ વહીવટી ર્નિણયોમાં સામેલ કરી રહ્યા છે? કારોબારી સભ્યોને અંધારામાં રાખીને પ્રમુખ અને મંત્રીની જુગલબંદી દ્વારા ચલાવવામાં આવતા આ ‘શાહી’ અને મનસ્વી વહીવટના કારણે હજારો સભાસદો ભારે અસમંજસ અને આક્રોશ અનુભવી રહ્યા છે. સભાસદો અને રાજીનામું આપનાર કારોબારી સભ્યોએ હવે આ સમગ્ર કૌભાંડ અને ગેરરીતિઓની જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તટસ્થ તપાસ કરાવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ દોહરાવી છે.
જિલ્લા રજીસ્ટ્રાર ક્યારે જાગશે ?
જિલ્લા રજીસ્ટ્રારની ઢીલી નિતીઓને કારણે અગાઉ પણ મસમોટો ભ્રષ્ટાચાર થયો હતો,ત્યારે હવે ખેડા જિલ્લાની સધ્ધર ગણાતી ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર અને ગેર વહીવટની બુમો ઉઠી છે,તેમછતાં ખેડા જિલ્લા રજીસ્ટ્રાર ગોકળગાયની ગતિએ તપાસ કરી રહ્યા હોવાની બુમો પણ ઉઠી રહી છે.જાે આ રીતે જ મહિનાઓ અને મુદતોમાં તપાસ લંબાયા કરશે તો ફરી એકવાર મોટા કૌભાંડનો મામલો બહાર આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.