કેનેડા-નડિયાદ આઇએલટીએસ કૌભાંડનો પર્દાફાશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026  |   1980

વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી અને પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ આચરતા એક આંતરરાષ્ટ્રીય આઇએલટીએસ પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ રેકેટના તાર નડિયાદની સ્થાનિક હોટેલથી લઈને છેક કેનેડા અને બિહાર સુધી જાેડાયેલા હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. અગાઉ પણ નડિયાદની આજ મોટલમાંથી આઇએલટીએસનું કૌભાંડ ઝડપાયું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરંટેડ બેન્ડ અપાવવાની લાલચ આપીને વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવવાનું આખું નેટવર્ક પકડાયું છે. આખું નેટવર્ક આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રોબર્ટ નિક્કી માર્ટિન કેનેડામાં બેસીને ઓપરેટ કરતો હતો. આ ટોળકી સોશિયલ મીડિયા પર એવા લોકોને ટાર્ગેટ કરતી કે જે અંગ્રેજીમાં નબળા હોવા છતાં કેનેડા જવા માંગે છે. આ કૌભાંડના તાર નડિયાદમાં આવેલી દેવ મોટલ સાથે જાેડાતાં ચકચાર મચી છે. દેવ મોટલમાં આઇઇએલટીએસની પરીક્ષાનું કેન્દ્ર છે, જ્યાંથી રોબર્ટ આઇઇએલટીએસ પરીક્ષામાં સેટિંગ કરાવતો હતો. જે માર્કશીટ પ્રકાશમાં આવી છે તે વિદ્યાર્થીની પરીક્ષા નડિયાદના દેવ મોટલ સ્થિત સેન્ટર પર લેવાઇ હતી. જ્યારે આ કૌભાંડના તમામ પૈસા બિહારના એક શ્રમજીવીના બંધ થઇ ગયેલાં બેંક ખાતામાં જમા થતાં હતા. જે મામલે હવે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. અગાઉ પણ નડિયાદના આજ પરીક્ષા કેન્દ્ર પર આઇએલટીએનું કૌભાંડ સામે આવ્યંમ હતું, જેમાં ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો અને આમાં કોલેજ રોડ ઉપર જ આવેલાં એક ક્લાસીસના સંચાલકની સંડોવણીની પણ ચર્ચા શરૂ થઇ હતી જેણે ટૂંકાગાળામાં જ નડિયાદમાં આઇએલટીએસના કોચિંગમાં સારી નામના મેળવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલી સ્થાનિક પરીક્ષા એજન્સીઓ અને કેનેડા બેઠેલા એજન્ટો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત નાણાંકીય વ્યવહાર છે. ચરોતર અને ગુજરાતના વિદ્યાર્થીઓ પાસેથી ગેરંટેડ બેન્ડ સ્કોર અપાવવાના નામે વસૂલાતી મોટી રકમ બિહારના મધેપુરા જિલ્લાના કિશનગંજ બ્રાન્ચમાં રૂબી દેવી નામની મહિલાના ખાતામાં જમા કરાવવામાં આવતી હતી.આ મની ટ્રેઇલ દર્શાવે છે કે કૌભાંડ માત્ર સ્થાનિક સ્તરે નહીં, પરંતુ દેશવ્યાપી નેટવર્ક દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૨ માં નડિયાદના પરીક્ષા કેન્દ્ર પર અસલી વિદ્યાર્થીની જગ્યાએ ડમી રાઇટર પકડાયો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે પરીક્ષા એજન્સીના સ્ટાફ સાથે સેટિંગ કરીને પરીક્ષા હોલના સીસીટીવી કેમેરા બંધ કરી દેવાતા હતા. આ કૌભાંડમાં નડિયાદ અને ચરોતરના ૯૫૦ થી વધુ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા હતા, જેમાંના કેટલાક અમેરિકા બોર્ડર પર પકડાયા ત્યારે યુએસ કોર્ટમાં અંગ્રેજીનો એક શબ્દ પણ બોલી શક્યા નહોતા. નડિયાદ પોલીસે એક હાઇટેક ગેંગ ઝડપી પાડી હતી, જે આઇઇએલટીએસની ઓફિશિયલ વેબસાઇટ જેવું જ આબેહૂબ નકલી વેબ પેજ કમ્પ્યુટરમાં બનાવી રાખતી હતી. વિદ્યાર્થીઓને છેતરવા માટે આ નકલી પેજ પર જ તેમનો રોલ નંબર નાખીને ઊંચા બેન્ડ સ્કોરવાળું બોગસ સર્ટિફિકેટ બતાવી દેવાતું હતું. પોલીસે તે સમયે ૧૧૦ થી વધુ નકલી સર્ટિફિકેટ સાથે ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયા ટાર્ગેટિંગ

વિદેશ જવા ઈચ્છતા અને અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓનો ઓનલાઈન સંપર્ક કરવામાં આવતો, ગેરંટેડ બેન્ડની લાલચ : ૫ લાખથી ૧૫ લાખ સુધીના પેકેજમાં મનગમતો સ્કોર અપાવવાનો દાવો કરવામાં આવતો, સ્ક્રીન મિરરિંગ અને સીસીટીવી સ્કેમ : પરીક્ષા કેન્દ્રના સ્ટાફ સાથે સેટિંગ કરી અથવા તો સીસીટીવી બંધ કરવા અથવા પ્રોક્સી રાઈટર્સ એટલે કે ડમી વિદ્યાર્થી ગોઠવવામાં આવતાં, બેનામી ટ્રાન્ઝેક્શન : પકડાઈ ન જવાય તે માટે વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા નાણાં અન્ય રાજ્યોના ત્રીજા પક્ષના મજૂર વર્ગના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવતાં હતા.

નકલી સર્ટિફિકેટના કારણે વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઇ શકે

જાે સર્ટિફિકેટ નકલી સાબિત થાય, તો કેનેડા કે યુએસ એમ્બેસી વિદ્યાર્થી પર ૫ થી ૧૦ વર્ષ સુધીનો કાયમી પ્રતિબંધ લગાવી દે છે, વિદેશ પહોંચ્યા પછી પણ જાે કૌભાંડમાં નામ ખુલે, તો ત્યાંની પીઆર કે વિઝા રદ કરીને જેલ ભેગા અથવા ડિપોર્ટ કરવામાં આવે છે, એજન્ટો કરોડો રૂપિયા પડાવીને ગાયબ થઈ જાય છે અને વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ડૂબી જાય છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution