લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
1683
અમરાઈવાડીમા ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરાનો પ્રેમ સંબંધ બાંધવા માટે અવારનવાર પીછો કરી હેરાન પરેશાન કરતા અમરાઈવાડી વિસ્તારના એક યુવક વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. સગીરાએ પ્રેમ પ્રસ્તાવ નકારી દેતાં રોષે ભરાયેલા યુવકે છેક ટ્યુશન ક્લાસીસ સુધી પીછો કરી ત્યાં પહોંચી જઈ મળવાની જીદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા વેપારીની ૧૭ વર્ષીય સગીર પુત્રી મણિનગરની સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ આવેલા જાણીતા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જાય છે. ચારેક મહિના પૂર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે થોડો સમય સામાન્ય વાતચીત થયા બાદ આશરે બે મહિના પહેલાં યુવકે સગીરાને પ્રપોઝ કર્યું હતું. જાેકે સગીરાએ તેનો પ્રસ્તાવ સ્પષ્ટપણે નકારી કાઢી તેની સાથે વાતચીત તેમજ સંપર્ક સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. આ બાબતની અદાવત રાખી યુવક સ્કૂલ તથા ટ્યુશન જતી વખતે સગીરાનો સતત પીછો કરી માનસિક ત્રાસ આપતો હતો. ગત સાંજે સગીરા ટ્યુશન ક્લાસીસમાં હતી તે દરમિયાન આરોપી યુવક ક્લાસીસના સંકુલમાં પહોંચી ગયો હતો. તેણે સિક્યુરિટી ગાર્ડ અને રિસેપ્શન પર હાજર સ્ટાફ પાસે જઈ સગીરાને મળવા માટે બોલાવવાની જીદ કરી હતી. સ્ટાફે પૂછપરછ કરતાં તેણે ઉદ્ધત વર્તન કર્યું હતું, પરંતુ સ્ટાફે સગીરાને બહાર બોલાવવાની સ્પષ્ટ ના પાડતાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં ક્લાસીસ સંચાલકોએ સીસીટીવી ફૂટેજ ચકાસી સગીરા તથા તેના વાલીને વાકેફ કર્યા હતા. સમગ્ર હકીકત સામે આવતાં સગીરાના પિતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર. બી. ચાવડાએ જણાવ્યું હતું કે, પિતાની ફરિયાદ ના આધારે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.