લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026 |
2970
ઉત્તર નેપાળ અને તિબેટ સરહદે હિમાલયની પહાડીઓમાં ગ્લોબલ વોર્મિંગના લીધે ગ્લેશિયર (હિમનદી) ઓગળવા અને ફાટવાને કારણે સર્જાયેલી કુદરતી હોનારતે બંને દેશોની સરહદી સીમાઓમાં ભારે તારાજી સર્જી છે. ગઈકાલે ભોટે કોશી નદીમાં આવેલા ભયાનક પૂર અને કાદવના પ્રવાહમાં સેંકડો લોકો તણાઈ ગયા બાદ, હવે આગામી ૩ દિવસ (૭૨ કલાક)માં વધુ એક વિનાશક પૂર આવવાનું ભયાનક જાેખમ ઊભું થયું છે.
ચીનના જળ સંસાધન મંત્રાલયે સરકારી સ્તરે નેપાળ સરકારને તાત્કાલિક અસરથી ‘હાઈ રિસ્ક વોર્નિંગ’ આપતાં જણાવ્યું છે કે, તિબેટ સરહદ નજીક નદીના ઊપરી પ્રવાહમાં એક વિશાળ ‘બેરિયર લેક’ (પહાડો તૂટી પડવાથી બનેલું કુદરતી સરોવર) રચાણું છે. આ લેકમાંથી પાણી બહાર વહેવાનું શરૂ થઈ ગયું છે અને જાે તે આગામી ૭૨ કલાકમાં ફાટશે, તો હેઠવાસના તમામ વિસ્તારો ત્રાહિમામ પોકારી જશે.
૭૨ કલાક કેમ અત્યંત ક્રિટિકલ છે?
ચીની જળ સંસાધન મંત્રાલયના સેટેલાઇટ ડેટા અનુસાર, ભોટે કોશી નદીના ઊપરી વિસ્તારમાં ચોછેન ખોલા અને પુરેપુ ત્સંગપો નદીઓના સંગમ સ્થાન નજીક આ બેરિયર લેક બન્યું છે.
- હાલની સ્થિતિ: ગુરુવાર સવાર સુધીમાં આ કુદરતી તળાવમાં આશરે ૨૦ લાખ ક્યુબિક મીટર પાણી અને કાદવનો જથ્થો એકઠો થઈ ચૂક્યો છે.
- આગામી ૩ દિવસનું જાેખમ: સતત વહી રહેલા પ્રવાહને કારણે આગામી ૭૨ કલાકમાં તેમાં વધુ ૩૦ લાખ ક્યુબિક મીટર પાણીનો ઉમેરો થવાની ધારણા છે.
- ડેમ બર્સ્ટનું જાેખમ: જાે આ કુલ ૫૦ લાખ ક્યુબિક મીટર નો જળજથ્થો ધરાવતું બેરિયર લેક ફાટશે, તો કરોડો લીટર પાણી, કાંકરા અને કાદવ એકસાથે નીચે ધસી આવશે. આ પ્રવાહ રસ્તામાં આવતા ગામડાઓ, ડેમ અને પુલોને ક્ષણવારમાં રોળી નાખશે.
પૂરમાં કઈ ૯ બેંકો તણાઈ?
• માછપુચ્છ્રે બેંક
• નાબિલ બેંક
• સાનિમા બેંક
• લક્ષ્મી સનરાઇઝ બેંક
• હિમાલય બેંક
• પ્રભુ બેંક
• ગ્લોબલIME બેંક
• નેપાળ ઇન્વેસ્ટમેન્ટ મેગા બેંક
• NMB બેંક
૯ બેંકો તણાઈ ગઈ! ૨૬ કર્મચારીઓ ગુમ
નેપાળના રાસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા ભારે પૂરને કારણે ભારે વિનાશ થયો છે. નેપાળ બેંકર્સ એસોસિએશન અનુસાર, ૯ વાણિજ્યિક બેંકોની સ્થાનિક શાખાઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે, અને પ્રાથમિક માહિતી મળી ત્યાં સુધી આશરે ૨૬ બેંક કર્મચારીઓ પહોંચી શકયા નહોતા.
હિમનદી સરોવરોની સંખ્યા ૨,૬૦૦થી વધુ
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હિમાલય ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગના લીધે ૨૦૦૫થી અત્યાર સુધીમાં હિમનદી આધારિત સરોવરોની સંખ્યા ૧,૯૦૦થી વધીને ૨,૬૦૦થી વધુ થઈ ગઈ છે, જેના કારણે ભારત, નેપાળ અને ચીન સરહદી પહાડી વિસ્તારોમાં ફ્લેશ ફ્લડનું જાેખમ સતત વધી રહ્યું છે.
હોનારતના અત્યાર સુધીના ભયાનક આંકડા
નેપાળ ગૃહ મંત્રાલયના આંકડા મુજબ ૮ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં ૩૫૯ મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે.
• વિદેશી નાગરિકો સહિત ગુમ: નેપાળમાં અત્યારે ૮૨૬ લોકો ગુમ છે, જેમાં ૫૧૭ વિદેશી પ્રવાસીઓ નો સમાવેશ થાય છે.
• ચીન સરહદે નુકસાન: તિબેટના ગીરંગ પોર્ટ નજીક ૫ ફૂટ ઊંડા કાદવના ભૂસ્ખલનને કારણે ૩ લોકોના મોત થયા છે અને ૫૫૮ લોકો ગુમ છે, જેમના માટે ચીની પ્રમુખ શી જિનપિંગે સર્ચ ઓપરેશનના આદેશ આપ્યા છે.
• પૂરની ઝડપ: ૫,૨૦૦ મીટરની ઊંચાઈએથી ગ્લેશિયર તૂટીને લેંદે નદીમાં પડ્યો ત્યારે દેવઘાટ ખાતે નદીનો પ્રવાહ પ્રતિ સેકન્ડે ૫,૮૫૦ ક્યુબિક મીટર નોંધાયો હતો, જે ૧૯૮૫ના ડીગ ત્શો પૂર કરતાં ભયાનક હતો.