સિગારેટ પીતા ઝડપાયેલો સાતમાં ધોરણનો વિદ્યાર્થી પિતાએ ઠપકો આપતા ઘરેથી ભાગ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   2178

શાળામાં સિગારેટ પીવા અંગે પિતાએ આપેલા ઠપકાનું માઠુ લાગતાં સાતમાં ધોરણનો વિદ્યાર્થી ઘરેથી ભાગ્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે સતત ૨૦ કલાક શોધખોળ કરી હતી. સવા સો થી વધું સીસી કેમેરા તપાસવા સાથે ૩૦૦થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી પોલીસે સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાંથી બાળકને હેમખેમ શોધી પરિવારને સોંપ્યો હતો. સચિન જીઆઇડીસી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર તલંગપુર રોડ ઉપર શિવાંજલી સોસાયટી પાસે સંદીપ હુબલાલ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ઉત્તરપ્રદેશના વારાસણીના વતની એવા સંદીપ પટેલનો ૧૨ વર્ષની દીકરો ઉંબેર ખાતે આવેલી શાળામાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ગત ૨૯મી તારીખે સ્કુલમાં સિગારેટ પીતા ઝડપાઇ ગયો હતો. આ અંગે શાળા તરફથી જાણ કરવામાં આવી હતી. સંદીપ પટેલ સાંજે કારખાને જવા ઘરેથી નીકળ્યા ત્યારે દીકરો સ્કુલથી આવી દુકાન પાસે બેસેલો જાેવા મળ્યો હતો.

પટેલે દીકરાને સ્કુલથી સિગારેટ પીવા બાબતે આવેલા કોલ અંગે વાત કરી હતી. સાથે જ આટલી નાની ઉંમરે વ્યસન કરવા બાબતે ઠપકો પણ આપ્યો હતો. ત્યારબાદ પટેલ નોકરીએ જતા રહ્યા હતાં. રાત્રે દસેક વાગ્યે પત્નીએ કોલ કરી જણાવ્યો હતો કે, દીકરો સાંજે શાળાએથી ઘરે આવ્યો અને કપડાં બદલી ક્યાંક જતો રહ્યો હતો. તે હજી ઘરે પરત આવ્યો નથી. શાળામાં સિગારેટ પીતા ઝડપાયો હોવા ઉપરાંત પોતે ઠપકો આપ્યો હોય પટેલ તુરંત ઘરે દોડી ગયા હતાં.

પટેલ તથા આડોશી પાડોશીએ આજુબાજુની સોસાયટી, બરફ ફેક્ટરી, શિવનગર, પાલી ગામ, રામેશ્વર કોલોની તથા સચીન જી.આઈ.ડી.સી અલગ-અલગ વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ તે મળ્યો ન હતો. આખી રાત તપાસ છતાં દીકરો નહીં મળતાં ૩૦મી તારીખે બપોરે પટેલે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ એ. ગોહિલે બાળકના માતા-પિતાને સાંભળ્યા હતાં. જેમાં તેઓ સાહેબ જલદી કંઇ કરો અમારો દીકરો કંઇ કરી લેશે તો શુ કરીશું એવો ભય પણ વ્યક્ત કરી રહ્યા હતાં. ગોહિલે તુરંત સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી હતી. સીસી કેમેરા ચેક કરવા સાથે બાળકના ફોટા સાથે પણ પૂછપરછ શરૂ કરાઇ હતી. આ ટીમે સતત ૨૦ કલાક તપાસ કરી હતી. જેમાં સવાસોથી વધુ જગ્યાએ સીસી કેમેરા ચેક કરાયા હતાં. આ ઉપરાંત રિક્ષાવાળા, ખાણી-પીણીની લારી, પાથરણાવાળા સહિત ૩૦૦થી વધુ વ્યક્તિની પૂછપરછ કરાઇ હતી. આ કવાયત દરમિયાન મળેલી માહિતીના આધારે સતિન રેલવે સ્ટેશન વિસ્તારમાંથી બાળકને શોધી કઢાયો હતો. બાળક હેમખેમ મળતાં પટેલ દંપતિએ અશ્રુભીની આંખે પોલીસનો આભાર માન્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution