નડિયાદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામમાં મંગળવાર તા.૧૬ ફેબ્રુઆરીના રોજ શિક્ષાપત્રી જ્યંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસે યોગાનુંયોગ સદગુરૂ બ્રહ્માનંદસ્વામીની ૨૪૯મી જન્મ જ્યંતિ તથા સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામીની ૨૫૫મી જન્મજયંતિના શુભ અવસરે સદગુરૂ બંને નંદ સંતોની પ્રતિમાનું સંતો દ્વારા મંદિરના સભા મંડપમાં ભાવપૂજન થશે.

વસંતપંચમીની માહિતી આપતાં આસિ. કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે, સવારે ૭થી ૧૧ વાગ્યા સુધી વડતાલના ઐતિહાસિક સભા મંડપમાં શા.સ્વામી નારાયણચરણદાસજી (બુધેજવાળા) શિક્ષાપત્રી રસદર્શન તથા શ્રવણ કરાવશે. અગ્રણી સંતો ચેરમેન દેવપ્રકાશજી, શા.પૂ.ધર્મપ્રસાદદાસજી, શા.પૂ.નૌત્તમપ્રકાશદાસજી, બ્રહ્મસ્વરૂપસ્વામી, શા.હરિપ્રકાશદાસજી (સાળગંપુર), બ્રહ્મસ્વરૂપસ્વામી વડતાલ, શા.હરિવલ્લભસ્વામી (પીજ), રઘુવીરસ્વામી (ઉમરેઠ), ભક્તિજીવનસ્વામી (હરિયાળા), વિવેકસાગરસ્વામી (વિરસદ) વગેરે ઉપસ્થિત રહી પૂજનનો લાભ લેશે.

આ મહોત્સવના યજમાનો કેન્યા રહેતાં વસો કરોલીના હરિકૃષ્ણભાઇ પટેલ, મનનકુમાર હરિકૃષ્ણભાઇ પટેલ, પરેશકુમાર પરસોત્તમભાઇ પટેલ (વડતાલ), રાજ પરેશભાઇ પટેલ છે. હરિમંડપમાં સવારે ૭થી સાંજે ૭ સુધી મહિલા હરિભક્તોને દર્શન અને પાઠનો લાભ મળશે. સ્વા.સંપ્રદાયમાં ઋતુરાજ વસંત અર્થાત વસંતપંચમીનો મોટો મહિમા રહ્યો છે. આ મંગલદિને સંપ્રદાયના અજાેડગ્રંથ શિક્ષાપત્રીનો વડતાલ મધ્યે હરિમંડપમાં પાદુરર્ભાવ થયો હતો. શ્રીહરિએ પોતાની વાણીરૂપ શિક્ષાપત્રીની સર્વજીવ હિતાવહઃ સર્વજીવોના કલ્યાઅર્થે રચના કરી તે પર્વ વસંતપંચમીનું હતું. ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, ગૃહસ્થ હોય તેમણે પોતાના માતા-પિતા, ગુરૂ તથા રોગાતુર એવાં કોઇ મનુષ્ય હોય તેમની સેવા શક્તિ સામર્થ્ય પ્રમાણે કરવી. શિક્ષાપત્રીના ૧૩૯ના શ્લોકમાં આ મહત્વની આજ્ઞા દર્શાવી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયનું મહત્વનું બંધારણ એટલે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકમાં જાણે ગાગરમાં સાગર સમાવી દીધો છે. ફક્ત ભારત માટે જ નહીં જગત માટે શિક્ષાપત્રી મહત્વની છે. આ શિક્ષાપત્રી ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સંગ્રહાયેલી છે. જે-તે સમયે મુંબઇના ગર્વનર જ્હોન માલ્કમ રાજકોટ આવ્યાં હતાં ત્યારે શ્રીજી મહારાજે સ્વહસ્તે તેમને ભેટ આપી હતી. જીવના જતનની જેમ સાચવીને માલ્કમે આ અમૂલ્ય ભેટને ઇંગ્લેન્ડ લઇ ગયા હતા. તેઓએ તેને યુનિવર્સિટીને અર્પણ કરી નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.