લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2026 |
3663
પશ્ચિમ બંગાળની સૌથી ચર્ચિત અને હાઇપ્રોફાઇલ ગણાતી નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા રાજકીય ડ્રામા પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી જૂથે કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ પશ્ચિમ બંગાળ પોલીસે કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની એક જૂના મર્ડર કેસમાં ધરપકડ કરી લીધી છે. આ ઘટનાક્રમ બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે અને વિપક્ષી દળોએ શાસક ભાજપ સરકાર પર પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે
તૃણમૂલ કોંગ્રેસના મમતા જૂથના ઉમેદવાર સંચિતા પ્રધાન (ડે)એ અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસના ઠીક એક દિવસ પહેલાં ઘટેલી આ ઘટના બાદ મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે તેમનું જૂથ નંદીગ્રામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને પૂર્ણ સમર્થન આપશે, પરંતુ આ સમર્થનની જાહેરાત સુખદ નીવડે તે પહેલાં જ રાજ્ય પોલીસે જૂના કેસનું કારણ ધરીને મિલન પ્રધાનની અટકાયત કરી લીધી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મિલન પ્રધાન સામે ૨૦૦૭ના ઐતિહાસિક નંદીગ્રામ જમીન સંપાદન આંદોલન સમયના એક જૂના હત્યાના કેસમાં પેન્ડિંગ અરેસ્ટ વારંટ હતું. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ ધરપકડને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી અને ચૂંટણી સમયે પેન્ડિંગ વારંટોની રૂટીન સમીક્ષા દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે કોર્ટમાંથી તેમની પાસે કોઈ કાનૂની સંરક્ષણ (સ્ટે) નહોતું.
૬ ઓક્ટોબરે યોજાનારી આ પેટાચૂંટણીમાં ઉમેદવારની જ ધરપકડ થઈ જતાં હવે સમગ્ર બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને શનિવારે મિલન પ્રધાનને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મમતા બેનર્જીની પાર્ટીનું નામ હવે થઈ ગયું ‘મમતાTMC’
ચૂંટણી પંચે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાંTMCના બંને જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્નો ફાળવ્યાં છે. મમતા બેનર્જીની પાર્ટીનું નામ મમતા ઑલ ઇન્ડિયા તૃણમૂલ કાૅંગ્રેસ (મમતાTMC) અને બળવાખોર જૂથનું નામ ડેમોક્રેટિક તૃણમૂલ કાૅંગ્રેસ (ડેમોક્રેટિકTMC) રાખવામાં આવ્યું છે. મમતા જૂથનું ચૂંટણી ચિહ્ન ફૂટબૉલ ખેલાડી હશે, જ્યારે ઋતબ્રત બેનર્જીના જૂથનું ચિહ્ન પરબીડિયું હશે.