લિંબાયત ઝોનનાં અધિકારી દીપક રાઠોડનો ભ્રષ્ટાચાર: સ્થાયી સમિતિ અધ્યક્ષનો રોલ નિભાવી પ્લોટ ફાળવણી લંબાવવાનો જાતે ર્નિણય લીધો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   1881

શહેરનાં લિંબાયત ઝોનમાં પરવત-મગોબ વિસ્તારમાં મહાનગર પાલિકાનાં પ્લોટ ઉપર બે મહિના કરતાં વધુ સમયથી ગેરકાયદે કબજાે જમાવી બેઠેલાં ઇજારદાર પાસેથી નિયમ મુજબ પેનલ્ટી વસુલ કરવાને બદલે લિંબાયત ઝોનનાં અધિકારી દિપક રાઠોડે સ્થાયી સમિતિ અધ્યક્ષનો રોલ નીભાવીને જાતે ર્નિણય લઇ ઇજારદારને મૌખિક મંજૂરી આપી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગણપતિ વિસર્જન તહેવારને ધ્યાનમાં રાખીને કૃત્રિમ તળાવ બનાવવાનું હોવાથી તે બાબતની દરખાસ્તનો જાહેર બાંધકામ સમિતિનાં એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર કૌભાંડની જાણ થઇ હતી. સ્થાયી સમિતિએ ટીપી સ્કીમ નંબર-૧૯, ફાઇનલ પ્લોટ નંબર-૧૧૦/૧/૩ રાજ ટેક્સ્ટાઇલની બાજુમાં આવેલો પ્લોટ શિવ પાર્કિંગને ૩૦૦૦ ચોરસ મીટરનો પ્લોટ પ્રતિદિન પ્રતિ ચોરસ મીટર ૫૦ પૈસાના ભાવથી તારીખ ૯/૫/૨૦૨૫નાં રોજ ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ ૫/૧૨/૨૦૨૫નાં રોજ વધુ છ મહિના માટે સ્થાયી સમિતિએ એક્સટેન્શન આપ્યું હતું. પ્લોટની ભાડાની મુદ્દત તારીખ ૪/૬/૨૦૨૬ ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં છેલ્લા સવા બે મહિનાથી શિવ પાર્કિંગના સંચાલકો ગેરકાયદેસર રીતે પ્લોટનો વપરાશ કરી રહ્યા છે. શિવ પાર્કિંગનાં સંચાલકોએ લિંબાયત ઝોનનાં અધિકારીઓનાં આશીર્વાદ સાથે પ્લોટ ઉપર ગેરકાયદે કબજાે જમાવી પાર્કિંગનાં રૂપિયાની કમાણી ચાલુ રાખી હતી. સવા બે મહિના સુધી મહાનગર પાલિકાનાં પ્લોટનો ગેરકાયદે કબજાે શિવપાર્કિંગનાં સંચાલકોએ જારી રાખ્યો પરંતુ કૃત્રિમ તળાવ બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હોવાથી બે દિવસ પહેલાં લિંબાયત ઝોનનાં અધિકારીએ પ્લોટ ખાલી કરવા શિવપાર્કિંગનાં સંચાલકોને રૂબરૂ જઇને સુચના આપી હતી. ખરેખર તો મહાનગર પાલિકાનાં નિયમ મુજબ પ્રતિ દિન પ્રતિ ચોરસ મીટર ૭ રૂપિયાની પેનલ્ટી લેવાની જાેગવાઇ છે. સવા બે મહિના સુધી ગેરકાયદે કબજાે હોવાથી ૧૩ લાખ રૂપિયા કરતાં પણ વધારે પેનલ્ટી વસુલવાની થાય છે પરંતુ લિંબાયત ઝોનનાં અધિકારી દિપક રાઠોડે શિવપાર્કિંગનાં સંચાલકો સાથે મળીને મોટું કૌભાંડ આચર્યું છે. દિપક રાઠોડનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ઇજારદારે એક્સ્ટેન્શન માટે અરજી આપી હતી અને મંજૂરીની અપેક્ષાએ તેનો ઇજારો જારી રાખવા દેવામાં આવ્યો છે.

હકિકતમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે પ્લોટની મંજૂરી આપી જ નથી તેમ છતાં સ્થાયી સમિતિ અધ્યક્ષની ભૂમિકા ભજવતાં હોય તેમ સુપર અધ્યક્ષ બનીને દિપક રાઠોડે સવા બે મહિના સુધી શિવપાર્કિંગને મહાનગર પાલિકાનો પ્લોટ વાપરવા દીધો હતો અને પ્લોટની મંજૂરી નહીં હોવા છતાં શિવપાર્કિંગનાં સંચાલક પાસેથી ૫૦ પૈસા લેખે ભાડુ પણ વસુલ કર્યું હોવાનું જણાવ્યું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution