નડિયાદના સુરાસામળ ગરનાળા પાસે એક્ટિવા સ્લિપ થતાં દંપતી કેનાલમાં ગરકાવ થઈ ગયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026  |   4653

ખેડાના નડિયાદ તાલુકાના સુરાસામળ ગરનાળા પાસે એક્ટિવા સ્લિપ થતાં દંપતી મોટી કેનાલમાં ગરકાવ થયું થયું હતું.ચલાલી ગામના રહેવાસી આ દંપતી અંગત કામ પતાવીને પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા દંપતીને શોધવા માટે ફાયર જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી વ્યાપક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી હતી અને મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનનાર દંપતી નજીકના ચલાલી ગામના રહેવાસી છે. તેઓ પોતાના અંગત કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સુરાસામળ ગરનાળા પાસે વાહન પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફાયર ટીમની શોધખોળની કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કેનાલના આગળના ભાગમાં પણ તરવૈયાઓને મોકલીને દંપતીની ભાળ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution