૨૧.૯૧ લાખની લોન ભરપાઈ કર્યા વિના માર્ગેજ મિલકત વેચાણ કરાતાં ફોજદારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026  |   4158

રાંદેરમાં પ્રિન્સ પાર્ક સામે વેરીબી વિક્ટોરીયા એપાર્ટમેન્ટમાં રહેતો સરફરાજ દસ્તગીર ખાન એસ.કે. ફાયનાન્સીયલ સર્વિસીસ નામથી મોટર વ્હીકલનો વેપાર ધંધો કરે છે. સરફરાઝ દસ્તગીર દ્વારા વર્ષ ૨૦૧૩માં ધી સુટેક્ષ કો-ઓપરેટિવ બેંક લી. ની રાંદેર શાખામાં ધંધાર્થે લોન લેવા અરજી કરાઇ હતી. બેંકે યોગ્ય પ્રક્રિયા કરી ૨૫ લાખની કેશ ક્રેડિટ લોન મંજુર કરી હતી.

સરફરાઝે પૈસા મળતા બેંકને પ્રોમિસરી નોટ લખી આપી હતી. આ લોનમાં સંજય સુદરભાઈ કોટીયાન તથા સરફરાઝનાં માતા-પિતાએ જામીનદાર તરીકે સહી કરી હતી. સરફરાઝનાં માતા પિતાએ તેમની મિલકતની સીક્યુરિટી આપી સહી સિક્કા સહિતના લખાણો તથા જામીનખત બેંકને લખી આપ્યા હતાં. સરફરાઝે લીધેલ કેશ ક્રેડિટ ફેસિલિટી બદલ જામીનગીરી તરીકે તેની માતા હાફીઝુન્નીશાએ અડાજણનાં શાંકુતલ કોમ્પલેક્ષની દુકાન લખી આપી હતી. સરફરાઝનાં માતા-પિતાનાં મૃત્યુ થતાં તેની પત્ની સબિહા સરફરાજ ખાન જામીનદાર તરીકે કાયદેસરનાં લખાણો બેંકની તરફેણમાં લખી આપી જામીનદાર તરીકે રહ્યાં હતાં. માતાનું અવસાન થતાં તેણીએ બેંકે મોર્ગેજમાં આપેલી મિલકતની માલિકી એકમાત્ર વારસદાર સરફરાજને બેંકનાં બોજા સાથે પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ સરફરાજ નિયમિત રીતે બેંકનું લેણું ભરપાઈ કરતા ન હતા અને બેંક દ્વારા અપાયેલી નોટિસ પણ ગણકારતા ન હતાં. જેથી બેંકે મોર્ગેજ મિલકત અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, સરફરાઝે વારસાઈ કરાવીને શાંકુતલ કોમ્પલેક્ષની મિલકત વર્ષ ૨૦૨૩માં સાદીકહુસેન અબ્દુસમદ કાનુંગાને ૧૯.૮૦ લાખમાં વેચી દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. બેંકની જાણ અને સંમતિ વિના સરફરાઝે વેચેલી આ મિલકત ખરીદાર સાદીકહુસેને શાહબુદ્દીન નિઝામુદ્દીન સૈયદને વેચી દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં સરફરાઝે પોતે ઓળખ આપનાર તરીકે સહી કરી હતી. આ રીતે બેંક મોર્ગેજ મિલકત ૨૧,૯૧,૨૭૨ લોન ભરપાઇ કર્યા વિના વેચી દેનારા સરફરાઝ સામે બેંકનાં બ્રાન્ચ મેનેજર દિવ્યકાંત રમેશચંદ્ર વ્યાસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution