શહેરના ૫૧ વિસ્તારોમાં ડેન્ગ્યૂના હોટસ્પોટ જાહેર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026  |   3663

શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાના અહેવાલો વચ્ચે એએમસી આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગોતા, અમરાઈવાડી, હાટકેશ્વર અને ભાઈપુરા સહિતના ૫૧ વિસ્તારોને ડેન્ગ્યુના હાઈરિસ્ક હોટસ્પોટ જાહેર કરાયા હોવા છતાં સ્થળ પર દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરતી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચોમાસામાં વરસાદ બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધી રહી હોવા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૫૧ જેટલા વિસ્તારોને ડેન્ગ્યુના હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે. જાેકે, હાઈરિસ્ક વિસ્તારોમાં રોગચાળો અટકાવવા માટે જરૂરી દવાના પાવડરનો છંટકાવ અને ફોગિંગની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ગોતા હાઉસિંગથી વસંતનગર વિસ્તાર, ચામુંડા ચોક તથા આસપાસના વિસ્તારોમાં ગંદકી અને પાણી ભરાયેલા હોવા છતાં દવાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો ન હોવાનો દાવો છે. વરસાદ બંધ થયા બાદ મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ફોગિંગ તેમજ દવાનો છંટકાવ જરૂરી હોવા છતાં કામગીરીના અભાવે સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા, હાટકેશ્વર અને અમરાઈવાડી સહિતના વિસ્તારોને પણ હાઈરિસ્ક ગણવામાં આવ્યા છે. તેમ છતાં અહીં ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી ન થઈ હોવાના આક્ષેપો છે. બીજી તરફ, એએમસી દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટોનું ચેકિંગ કરી સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો રોકવા માટેની મેદાની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે.ચોમાસા દરમિયાન વરસાદ બંધ થયા બાદ બે-ત્રણ દિવસમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા હોવાથી વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ફોગિંગ કરવાની કામગીરી જરૂરી બને છે. સફાઈ કામગીરી બાદ દવાનો છંટકાવ કરવાનો પણ નિયમ છે. જાેકે, અધિકારીઓ દ્વારા બ્રિડિંગ સાઇટ શોધવા અંગે સૂચનાઓ આપવામાં આવી રહી હોવા છતાં વાસ્તવિક સ્થળ પર પૂરતી કામગીરી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ભાઈપુરા વિસ્તારમાં આવેલી ધીરજ હાઉસિંગના રહેવાસી શૈલેષભાઈ માંડલિયાના જણાવ્યા મુજબ, વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, પરંતુ એએમસી તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નાના બાળકો પણ બીમાર પડી રહ્યા છે અને ડેન્ગ્યુના કેસો નોંધાયા હોવા છતાં દવાનો છંટકાવ કરવા માટે કોઈ ટીમ પહોંચી નથી.સ્થાનિક રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાયેલું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરોની સંખ્યા ઘટી શકે તેમ હોવા છતાં કામગીરી માટે કોઈ આવતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર વર્ષે મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણ માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચ અને કોન્ટ્રાક્ટની કામગીરી વચ્ચે હાલની સ્થિતિએ એએમસી આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution