૫૮ લાખની ગ્રાન્ટ છતાં કામો ઠપ, સભ્યોને અંધારામાં રાખી મનસ્વી વહીવટનો આરોપ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026  |   2277

સાઠંબાના સરપંચ ધ્રુવકુમાર પરેશભાઈ પંચાલ સામે ઉપસરપંચ તથા ૯ સભ્યોએ એકજૂથ થઈને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાં ભારે અસંતોષ ઉભો થતાં તેમણે ગુજરાત પંચાયત અધિનિયમની જાેગવાઈઓ મુજબ ટીડીઓને લેખિત જાણ કરી ખાસ સભા બોલાવવાની માંગ કરી છે.

અવિશ્વાસની દરખાસ્ત લાવનાર પંચાયત સભ્યોએ સરપંચ ધ્રુવકુમાર પંચાલ સામે ગંભીર આરોપો રજૂ કરતાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન પંચાયત વિસ્તારમાં એક પણ મહત્વપૂર્ણ વિકાસનું કામ શરૂ કરાયું નથી. જેના કારણે ગ્રામજનો જરૂરી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે.

પંચાયતના ખાતામાં ૧૫મા નાણાં પંચ હેઠળ અંદાજિત રૂ. ૫૮ લાખ જેટલી જંગી રકમ ઉપલબ્ધ હોવા છતાં તેનો યોગ્ય રીતે વિકાસકામોમાં ઉપયોગ કરાયો નથી. આ ઉપરાંત સરકારની છ્ફ્ યોજના હેઠળ મંજૂર કે ફાળવવામાં આવેલા કામો પણ સમયસર શરૂ ન થતાં વિકાસલક્ષી યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચી શક્યો નથી.

વધુમાં સભ્યોએ રજૂઆત કરી છે કે ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર સ્વભંડોળની રકમના વહીવટમાં મનસ્વી ર્નિણયો લેવાય છે. પંચાયતની બેઠકમાં યોગ્ય મંજૂરી મેળવ્યા વગર જ નાણાંકીય બિલોની ચૂકવણી કરાઇ હોવાના આક્ષેપ કરાયો છે.

ગામની આંતરિક બાબતોનો ઉલ્લેખ કરતાં સભ્યોએ જણાવ્યું કે વાવફળી આગળ આવેલા બગીચામાંથી બાળકોના રમતગમતના સાધનો સદસ્યો સાથે ચર્ચા કે ઠરાવ કર્યા વગર આપખુદશાહીથી કાઢી નાખવામાં આવ્યા છે.

પંચાયતમાં આકારણી સમિતિની રચના કરાયેલી હોવા છતાં સમિતિની મિટિંગમાં મંજૂરી લીધા વિના જ આકારણી કરી દેવાઈ છે. ગામમાં જાહેર જગ્યાઓ પર આવેલા હાઈ માસ્ટ પોલમાંથી મોટાભાગની લાઈટો બંધ છે, જેના માટે ગ્રામસભામાં ઠરાવ કરાયો હોવા છતાં નવી લાઈટો ન લવાતાં જનતા હાલાકી ભોગવી રહી છે.

અવિશ્વાસ દરખાસ્ત કરનાર પં.ના સભ્યો ઈશ્વરભાઈ વસાવા, મધુબેન પ્રજાપતિ, નિમીષાબેન રાવળ, વસંતકુમાર ડબગર, ઈમરાનભાઈ પીરા, મનહરબા સોલંકી, જયશ્રીબેન પંડ્યા, ગજેન્દ્રકુમારી સોલંકી અને ભાવેશકુમાર શાહે અવિશ્વાસની દરખાસ્ત પર સહીઓ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution