લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
1683
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ કેટલાક વોર્ડમાં પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી છે. ખાસ કરીને વોર્ડ નંબર ૭ અને વોર્ડ નંબર ૧૦માં કેટલાક સક્રિય કાર્યકરોને ટિકિટ ન મળતાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વોર્ડ નંબર ૭માં ભાજપ કાર્યકર પંખી ઝાલાએ ટિકિટ ન મળવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પક્ષ માટે સક્રિય રીતે કામગીરી કરવા છતાં ઉમેદવારીની તક ન મળતાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.બીજી તરફ વોર્ડ નંબર ૧૦માં ભાજપના પૂર્વ સભ્ય અને સિનિયર કાર્યકર શિરીષ મોદીએ પણ ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ટિકિટ ફાળવણી અંગે નારાજગી વ્યક્ત કરતાં તેમણે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાનો ર્નિણય કર્યો છે.
બંને કાર્યકરો દ્વારા પક્ષમાં સક્રિય રીતે કામગીરી કરતા કાર્યકરોને પણ ચૂંટણીમાં તક મળવી જાેઈએ તેવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ઉમેદવારોની પસંદગીમાં રીપીટ થિયરી સહિતના મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ભાજપના જ કાર્યકરો દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવતા હવે વોર્ડ નંબર ૭ અને વોર્ડ નંબર ૧૦માં ચૂંટણીના સમીકરણો અંગે ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં પક્ષના સંગઠન દ્વારા નારાજ કાર્યકરો સાથે કેવી રીતે સંવાદ કરવામાં આવે છે અને ચૂંટણીના મેદાનમાં આ નારાજગીનું શું સ્વરૂપ રહે છે તેના પર નજર રહેશે.