લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 |
3069
બેંગલુરુના બસવનગુડીમાં જન્મેલા અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન‘થી સન્માનિત ૯૨ વર્ષીય મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર સી.એન.આર. રાવને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મતદારયાદીની સમીક્ષા (એસઆઇઆર) દરમિયાન તેમના નામના સ્પેલિંગમાં ભૂલ સામે આવતા તેમને પોતાની ઓળખ સાબિત કરવા માટે સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાનો આદેશ અપાયો છે. ભારત રત્ન મેળવનારા દેશના ત્રીજા વૈજ્ઞાનિક એવા પ્રોફેસર રાવે વિજ્ઞાન ક્ષેત્રે દેશ અને બેંગલુરુ શહેર માટે અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે. પ્રોફેસર રાવને ચૂંટણી તંત્ર દ્વારા ‘સેલ્ફ-નેમ મિસમેચ‘(નામમાં તફાવત)નું કારણ દર્શાવીને નોટિસ આપવામાં આવી છે. જૂની મતદારયાદીમાં તેમનું નામ 'Prof. C.N.R. Rao' લખાયેલું હતું, જ્યારે વર્તમાન મતદારયાદીમાં'Prof. C.N.R. Rao'માં ભૂલથી એક વધારાનો અક્ષર ઉમેરાઈને 'Proff. C.N.R. Rao' થઈ ગયું છે. નિયમ મુજબ જ્યારે ૨૦૦૨ની મતદારયાદી અને વર્તમાન મતદારયાદીમાં નામ કે વિગતો મેચ થતી ન હોય ત્યારે આ પ્રકારની નોટિસ પાઠવવામાં આવે છે.
નોટિસના નિયમો અનુસાર સંબંધિત વ્યક્તિએ પોતે જ રૂબરૂ હાજર રહેવું પડતું હોવાથી, પ્રોફેસર રાવને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ નજીક આવેલ મલ્લેશ્વરમ ખાતે સુનાવણી માટે બોલાવાયા છે.
જાેકે, જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ ((JNCASR)) ખાતેના તેમના સહયોગીઓ અને નિકટના લોકો જણાવે છે કે તેમની તબિયત હાલ નાજુક છે. તેઓ ફોન કે કમ્પ્યુટર જેવા ઉપકરણોથી દૂર રહે છે અને ઈમેલ પણ પોતે ચેક કરતા નથી.
સોલિડ-સ્ટેટ અને સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી ક્ષેત્રે અદભૂત યોગદાન આપનાર પ્રોફેસર રાવે નોબેલ પુરસ્કાર સિવાય વિજ્ઞાન જગતના તમામ મુખ્ય ઍવૉર્ડ જીત્યા છે. તેઓ ભારતની વિજ્ઞાન નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ દેશના પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય હતા. આ ઉપરાંત તેમણે રાજીવ ગાંધી, એચ.ડી. દેવેગૌડા, આઇ.કે. ગુજરાલ અને ડૉ. મનમોહન સિંહ એમ ચાર વડાપ્રધાનની સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે.
પ્રોફેસર રાવે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને બેંગલુરુને વિજ્ઞાન ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIScનું નેતૃત્વ કરવા ઉપરાંત જેક્કુર ખાતે વિશ્વવિખ્યાત JNCASRની સ્થાપના કરી હતી અને તેના સ્થાપક પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમને
ભારત રત્ન ઉપરાંત પદ્મવિભૂષણ, પદ્મશ્રી અને કર્ણાટક રત્ન જેવા અનેક ઉચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા છે.