લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026 |
4950
વીવિંગ ઉદ્યોગ હાલ વિવિધ પડકારોમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કટોકટીની સ્થિતિમાં આગળનો માર્ગ શું હોવો જોઈએ અને કારખાનેદારોનાં હિતમાં કયા પગલાં લઈ શકાય તે મુદ્દે વીવિંગ ઉદ્યોગનાં આગેવાનો સક્રિય થયા છે. આ સંદર્ભે આજે વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોની એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી જેમાં સુરતનાં ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન યોજાઈ હોય તેવી વિશાળ સંયુક્ત જાહેરસભા યોજવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.
આગામી ટૂંકસમયમાં સુરતનાં તમામ પ્રકારનાં લૂમ્સ કારખાનેદારોને એક મંચ પર લાવીને મેગા મીટિંગ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મીટિંગમાં વીવિંગ ઉદ્યોગ સામે ઊભા થયેલા વિવિધ પ્રશ્નો અંગે સામૂહિક વિચારમંથન કરી આગળની દિશા નક્કી કરવામાં આવશે. જાહેરસભા યોજવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ પ્રકારનાં લૂમ્સનાં સંગઠનો એક મંચ પર આવશે.
પ્રસ્તાવિત સંયુક્ત મીટિંગમાં પાવરલૂમ કારખાનેદારો, એરજેટ વીવર્સ એસોસીએશન, રેપિયર જેકાર્ડ વીવર્સ એસોસીએશન, વોટરજેટ એસોસીએશન ઉપરાંત વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા સંગઠનોના આગેવાનો અને સભ્યોને પણ જોડવામાં આવશે. વીવિંગ ઉદ્યોગમાં અલગ-અલગ પ્રકારના લૂમ્સ અને સંગઠનો હોવા છતાં કારખાનેદારો સામેનાં કેટલાક પ્રશ્નો સામૂહિક છે તેથી તમામ સંગઠનોનાં આગેવાનોને એક મંચ પર લાવીને ઉદ્યોગમાં એકસૂત્રતા જાળવવા અને સામૂહિક રીતે પ્રશ્નોના ઉકેલ અંગે ચર્ચા કરવા માટે આ મેગા જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.