/
આનંદો! હવે ખીલશે ઊંધિયાની મોસમ!

આણંદ : આણંદ શહેરની મોટી શાકમાર્કેટમાં મોટાપાયે શાકભાજી, ડુંગળી, બટાટા સહિત લીલી ભાજીઓની આવક ચાલુ થઈ જતાં કિંમતો ગગડી ગઈ છે. પરિણામે ગૃહિણીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

સૂત્રોનું કહેવું છે કે, શિયાળાને કારણે શાકભાજીનો પુષ્કળ પાક થયો હોવાથી વહેલી સવારથી ટેમ્પા, ટ્રેક્ટરો, ટેમ્પીઓમાં શાકભાજી આણંદમાં ઠલવાઈ રહ્યાં છે. આણંદના એક વેપારીના જણાવ્યાં અનુસાર, પુષ્કળ પ્રમાણમાં થઈ રહેલી શાકભાજીની આવકને કારણે મંદીનો માહોલ હોવાથી કિંમતો ધનાધન નીચે આવી ગઈ છે. આણંદની શાકમાર્કેટમાં સીઝન હોવાથી તુવેર કિલોના ૪૦ રૂપિયા, વટાણાં કિલોના રૂ.૨૦, કોબી કિલોના માત્ર રૂ.૧૦, ફ્લાવર ૨૦ રૂપિયો કિલો, ટામેટા ૨૦ રૂપિયે કિલો, દૂધી રૂ.૧૦ કિલો, ડુંગળી રૂ.૨૫ની કિલો, બટાટા રૂ.૧૨ના કિલા અને, દેશી પાપડી ૩૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રના નાસિક અને મધ્યપ્રદેશથી નવી ડુંગળીનો પાક શરૂ થઈ ગયો છે. બટાટાની નવી સીઝન શરૂ થઈ ચૂકી છે. આણંદના આજુબાજુના વિસ્તારોમાં પણ આ વર્ષે બટાટાનું પુષ્કળ ઉત્પાદન થયું છે, જેને લઈને ભાવોમાં ધરખમ ઘટાડો જાેવા મળી રહ્યો છે. સુવા, મેથી, પાલકની પણ પુષ્કળ આવક થઈ રહી છે, જેને લઈને આ લીલા શાકભાજી પણ સસ્તા ભાવે વેચાઈ રહ્યાં છે.

ગૃહિણીઓનું કહેવું છે કે, હાલ ઊંધિયાની મોસમ ચાલી રહી હોવાથી હવે શાકભાજીના ભાવો નીચે આવ્યાં હોવાથી ઘરે બનાવવાની હિંમત કરી શકાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution