લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓક્ટોબર 2026 |
2673
દિલ્હી-એનસીઆરમાં મહિલાઓ અને માસૂમ સગીરાઓ સામે સતત વધી રહેલા બળાત્કાર અને ગંભીર યૌન અપરાધો અંગે આજે સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢતાં સવાલો પૂછ્યા હતા કે આવા જઘન્ય અપરાધોને અટકાવવા માટે પોલીસિંગના ભાગરૂપે ઘટના બનતા પહેલા જ તેને રોકવા માટે શું નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે? જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે કડક લહેજામાં નિરીક્ષણ કર્યું હતું કે માત્ર કાગળો પર પરિપત્રો અને સૂચનાઓ જારી કરવા પૂરતા નથી, પરંતુ જમીની સ્તર પર તેનો પ્રભાવ અને કડક અમલવારી દેખાવી અત્યંત જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ આપ્યા હતા કે અપરાધીઓ પર કાબૂ મેળવવા જરૂર પડે તો અત્યંત સખત વલણ અપનાવો. કોર્ટે કહ્યું કે કાર્યવાહી વખતે એવા લોકો પણ સામે આવશે જે બંધારણના આર્ટિકલ ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નો સંદર્ભ આપશે અથવા માનવાધિકાર જૂથોનો હવાલો આપીને અપરાધીઓ સાથેના કડક વર્તનનો વિરોધ કરશે. પરંતુ પોલીસ અધિકારીઓએ આવા કોઈપણ જૂથો કે વિરોધની પરવા કર્યા વિના, બળાત્કાર જેવા ભયાનક અને અમાનવીય ગુના આચરનારા તત્વો સામે કોઈ પણ દયા વગર આકરી કાર્યવાહી કરવી જાેઈએ. ખંડપીઠના જસ્ટિસ પારડીવાલાએ ખાસ કરીને શાળા, કૉલેજાે અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે એવા સંવેદનશીલ વિસ્તારોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો જ્યાં મવાલીઓ, રોમિયો કે અસામાજિક તત્વો એકઠા થઈને વિદ્યાર્થીનીઓને હેરાન-પરેશાન કરતા હોય છે. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આવા તમામ હોટસ્પોટ્સ પર તુરંત યોગ્ય અને કડક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવું જાેઈએ જેથી ગુનેગારોમાં કાયદાનો ભય ઊભો થઈ શકે. સુપ્રીમ કોર્ટે સાર્વજનિક પરિવહન, બસ સ્ટેન્ડ, મેટ્રો સ્ટેશનો અને મહિલાઓની વધુ અવરજવર વાળા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા તેમજ સ્ટ્રીટ લાઈટોની યોગ્ય સ્થિતિની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થાનું નિયમિત ઓડિટ કરવા પણ કહેવાયું છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે પોલીસ એક એવી સંસ્થા હોવી જાેઈએ જેના પર સામાન્ય નાગરિકોને પૂર્ણ વિશ્વાસ હોય. મુશ્કેલી કે જાેખમના સમયે મહિલાઓ અને બાળકો કોઈ પણ પ્રકારના ડર કે સંકોચ વિના વહેલામાં વહેલી તકે પોલીસનો સંપર્ક કરી શકે તેવું ભયમુક્ત વાતાવરણ બનાવવું સરકાર અને પોલીસની પ્રાથમિક જવાબદારી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં તાજેતરમાં બનેલી કેટલીક અત્યંત ગંભીર અને કાળજુ કંપાવી દેનારી ઘટનાઓના મીડિયા રિપોર્ટો પર સ્વત: સંજ્ઞાન લઈને આ કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાઓમાં દિલ્હીના આસફ કુંજ પાર્કમાં ૧૭ વર્ષીય સગીરા પર થયેલો સામુહિક દુષ્કર્મ, સ્વરૂપ નગરમાં કિશોરી સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યા અને ગ્રેટર નોઈડાથી દિલ્હી જઈ રહેલી એક ચાલતી બસમાં માસૂમ સગીરા સાથે થયેલા યૌન ઉત્પીડન જેવા ચર્ચાસ્પદ કેસોનો સમાવેશ થાય છે. તમામ ગંભીર મામલાઓની આકરી નોંધ લેતાં સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસને તમામ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં સુરક્ષા ઓડિટ કરવા અને જમીની સ્તર પર લેવાયેલા પગલાં અંગે આગામી સુનાવણીમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.