વડોદરા, તા.૧૮

શહેર નજિક કરજણ પાસેથી પસાર થતા હાઈવેના ટોલ પ્લાઝા પાસે વહેલી સવારે પૂણે થી અમદાવાદ જતી લકઝરી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લકઝરીના ચાલકની સમય સુચકતાની બસમાં સવાર ૨૦ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જાેકે, હાઇવે ઉપરથી પસાર થઇ રહેલા વાહન ચાલકો ભડભડ સળગી રહેલી બસની બાજુમાંથી પસાર થયા હતા. કરજણ ફાયર બ્રિગેડે પાણીમારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે, આગ કાબૂમાં આવે તે પહેલાં મોટાભાગની બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

વડોદરા જિલ્લાના જિલ્લાના કરજણ નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર ટોલ નાકા પાસે પૂણે થી અમદાવાદ તરફ જઇ રહેલી લકઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. બસમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાંજ બસ ચાલકે બસને રોડની બાજુમાં લઈ જઈને પાર્ક કરી દીધી હતી. અને બસમાં સવાર તમામ ૨૦ મુસાફરોને તૂરંત ઉતારી લીધા હતા.બસના તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભડભડ સળગી ઉઠેલી બસના કારણે હાઇવે ઉપર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને કરજણ ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને પાણીમારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જાેકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં મોટાભાગની બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવ અંગે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તબક્કે બસમાં શોર્ટ સરકીટ થતા આગ લાગી હોવાનુ જાણવા મળે છે.