લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
1485
શહેરમાં ક્રિપ્ટો કરન્સીના નામે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ‘બ્લોક ઓરા’ નામની કંપની ઊભી કરી રોકાણકારોને રોજના દોઢ ટકા ઊંચા વળતરની લાલચ આપી ચાર વેપારીઓ પાસેથી કુલ રૂ. ૧.૪૬ કરોડ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે. વસ્ત્રાલમાં રહેતા વેપારી તથા તેના મિત્રો પાસે થી અલેશ્વર, લીંબડી, બોટાદ અને રાજકોટના ૧૨ શખ્સોએ આ છેતરપિંડી આચરી હતી. આ મામલે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વસ્ત્રાલ રીંગ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અને પ્રિન્ટિંગ ટ્રેડિંગનો વ્યવસાય કરતા ભરતભાઈ કરશનભાઈ મોટકાનો સંપર્ક વર્ષ ૨૦૨૨મા તેમના ગામના અમિત મુલતાની અને અંકલેશ્વરના અઝરૂદ્દીન મુલતાની સાથે થયો હતો.
આરોપીઓએ પોતે ‘બ્લોક ઓરા’ કંપનીમાં કામ કરતા હોવાનું કહી કંપની ક્રિપ્ટો કરન્સી (્મ્છઝ્ર) કોઈનનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. કંપનીમાં રોજના ૧.૫% વળતરની સ્કીમ સમજાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી અને તેમના મિત્રોને લોનાવાલા ખાતે યોજાયેલી મીટિંગમાં બોલાવ્યા હતા, જ્યાં મુખ્ય સંચાલક ફિરોઝ મુલતાની અને નીતિન જગત્યાની સાથે મુલાકાત કરાવી હતી.આરોપીઓએ ફરિયાદી ભરતભાઈ મોટકા તથા તેમના મિત્રો ભાર્ગવકુમાર પટેલ, નિલેશભાઈ સરાવાડીયા અને સમીરભાઈ મર્ચન્ટને વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલી સરગમ હોટેલ ખાતે બોલાવી રોકડા નાણાં મેળવ્યા હતા.