લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 |
1683
પાલીગામ સ્થિત ચામુંડા રેસિડેન્સીમાં રહેતાં કૈલાશનાથ પટેલ મારૂતિ સિલ્ક મિલ્સ નામની કંપનીમાં પાવર લુમ્સના મશીન રીપેરિંગનું કામ કરે છે. ગત ૨૪મી જુલાઈ, ૨૦૨૬નાં રોજ કૈલાશનાથ ફેસબુકમાં રિલ્સ જાેતો હતો. જેમાં તેને રાજ ગ્યાની નામની આઇડી પર એક રિલ્સ જાેવા મળી હતી. જેમાં પાંચ રૂપિયાનાં દરની જૂની ચલણી નોટ હોય તે વ્યક્તિને ૩૫ લાખ રૂપિયા આપવાનો દાવો કરાયો હતો. કૈલાશનાથ પાસે એવી નોટ હોવાથી તે ૩૫ લાખની લાલચમાં પડ્યો હતો.
વીડિયોમાં અપાયેલા નંબર પર કૈલાશનાથે કોલ કરતાં સામેના વ્યક્તિએ રાજ ગ્યાની બોલું છું એમ કહી તમારી પાસે રહેલી પાંચ રૂપિયાની નોટનો ફોટો વોટસએપ કરવા કહ્યું હતું. કૈલાશનાથે ફોટો મોકલતાં ગ્યાનીએ કહ્યું કે આ નોટ બરાબર છે, તમને પૈસા મળશે પરંતુ એની પ્રોસીજર માટે ફાઇલ બનાવવી પડશે, જેનો ચાર્જ ૭૫૦ રૂપિયા થશે. આ સાથે જ તેણે સ્કેનર મોકલતાં કૈલાશનાથે રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં.
બીજા દિવસે ૨૫મી તારીખે અજાણ્યા નંબરથી કૈલાશનાથને કોલ આવ્યો હતો. કોલરે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે તમારી પાંત્રીસ લાખની ડીલવરી આવી ગઇ છે, તમારે ૧૨,૩૦૦ રૂપિયા ચાર્જ ભરવો પડશે. આ સાથે જ એ વ્યક્તિએ મોકલેલા સ્કેનર પર કૈલાશે પૈસા ટ્રાન્સફર કરી દીધા હતાં. થોડા સમય બાદ એ વ્યક્તિએ કોલ કરી જણાવ્યું હતું કે, હું એરપોર્ટની બહાર નીકળ્યો એટલે મગદલ્લા પોલીસે મને પકડી લીધો છે, મારી પાસેની કેશ પોલીસે જપ્ત કરી હોવાથી પતાવટ માટે તમારે રૂપિયા આપવા પડશે.
ત્યારબાદ કૈલાશનાથને જુદા જુદા નંબરથી વીડિયો કોલ કરાયા હતાં. જેમાં પોલીસની વરદી પહેરેલા બે વ્યક્તિએ એસપી તરીકે ઓળખ આપી આ કેસમાં તમારી ધરપકડ થશે અને ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે એમ કહી ધમકી આપી હતી.ગભરાઈ ગયેલા કૈલાશનાથે તેઓના કહ્યા અનુસાર ૨૪ જુલાઇથી ૧૩ ઓગસ્ટ સુધી ૧૮ ટ્રાન્ઝેક્શન થકી કુલ ૩.૨૭ લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યારબાદ એકાઉન્ટમાં પૈસા નહીં રહેતા કૈલાશનાથે આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી લોન લઈને ૯૩ હજાર આપ્યા હતાં. રૂપિયા લેનારા અજાણ્યા વ્યક્તિઓએ કૈલાશનાથને એવી ધમકી પણ આપી હતી કે, આ વાતની જાણ કોઇને કરશો તો તમારી સાથે તમારા દીકરાને પણ કેસમાં ફસાવી દઈશું. ગભરાઈ ગયેલા કૈલાશનાથે કોઇને કશું જણાવ્યું ન હતું. જાે કે, વધુ પૈસાની માગણી અને ધાક ધમકીનો દૌર યથાવત રહેતા આખરે તેણે દીકરાને વાત કરી અને પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.