મુંબઇ

એક્ટ્રેસ ગૌહર ખાનના પિતા ઝફર અહેમદ ખાનનું અવાસન થયું છે. છેલ્લા થોડા સમયથી ગૌહરના પિતાના તબિયત નાદુરસ્ત હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ગૌહર ખાન છેલ્લા બે-ત્રણ દિવસથી હોસ્પિટલમાં રહેલા પિતા સાથેની તસવીર શેર કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની ફેન્સને વિનંતી કરી રહી હતી. જો કે, હવે ગૌહરની ફ્રેન્ડ પ્રીતિ સિમોસે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે, ગૌહરના પિતાનું અવસાન થયું છે.


પ્રીતિએ વિડીયો શેર કર્યો છે જેમાં ગૌહર કામના કરે છે કે, તેના માતાપિતા 100 વર્ષ સુધી જીવે. ઉપરાંત વિડીયોમાં ગૌહરના મમ્મી-પપ્પાની કેટલીક તસવીરો છે અને ગૌહર પણ પિતા સાથે જોવા મળી રહી છે. પ્રીતિએ વિડીયો શેર કરતાં લખ્યું, "મારી ગૌહરના પપ્પા....એ પુરુષ જેમને મેં પ્રેમ કર્યો...જેઓ ગર્વ સાથે જીવ્યા અને હંમેશા ગૌરવપૂર્ણ રીતે તેમને યાદ કરવામાં આવશે. પરિવારને પ્રેમ અને શક્તિ મળે તેવી પ્રાર્થના."

પ્રીતિ ઉપરાંત ગૌહરની મોટી બહેને ઝકિયાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પિતાની તસવીર શેર કરીને તેમના નિધનની જાણકારી આપી છે. પિતાની તસવીર શેર કરી ઝકિયાએ લખ્યું, "મારા પિતા ઝફર અહમદ ખાન તેમના માલિક પાસે પાછા ફર્યા છે! પપ્પા હું તમને ખૂબ પ્રેમ કરું છું એટલો કે આ પીડા ડંખે છે."

ગૌહરની બીજી એક બહેન કૌસર પણ પિતાના નિધનના સમાચાર મળતાં મુંબઈ આવવા નીકળી છે. તેણે એરપોર્ટ પરથી તસવીર શેર કરતાં લખ્યું, 'આ મારી જિંદગીની સૌથી કપરી સફર છે. મારા ડાર્લિંગ પિતાની અલ્લાહ સુભાના તાલા તરફની છેલ્લી સફર સાથે પૂરી થશે.' મમ્મી-પપ્પાની તસવીર શેર કરતાં કૌસરે લખ્યું, "પપ્પા તમે દુનિયાને બતાવ્યું છે કે અલ્લાહે તમને છેલ્લી સફર સુધી પ્રેમ કર્યો છે. તમે રાજાની જેમ જીવ્યા છો અને દેવદૂતની જેમ આ દુનિયા છોડી છે. બંને દુનિયામાં તારાની જેમ ચમકતા રહો. ખરેખર આપણે સૌ અલ્લાહના છીએ અને તેમની પાસે જ જતા રહીશું."