સુરેન્દ્રનગર-

થાન સિરામિકની પ્રોડક્ટના રો-મટિરિયલના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. મજૂરી પણ વધી ગઈ છે. ઉપરાંત માલનો બગાડ સહિતની મુશ્કેલીનો ઉદ્યોગકારો સામનો કરી રહ્યા છે ત્યારે ગૅસનો ભાવ વધારવામાં આવતાં ઉદ્યોગકારની હાલત કફોડી થઈ જાય તેવી સ્થિતિ છે. ઓછા માર્જિનમાં ધંધો કરતા હોઈ આ ભાવનો ગૅસ કોઈ સંજાેગોમાં પોસાય તેમ નથી એક તરફ ભાવવધારો થઈ રહ્યો છે, બીજી બાજુ હરીફાઇને કારણે ઉદ્યોગકારો ઉત્પાદનના ભાવમાં વધારો કરી શકતા નથી. આ કારણે ભાવવધારાની ખોટ ઉદ્યોગકારને જ ખાવી પડે છે. પરિણામે, આગામી સમયમાં ઉદ્યોગકારો લડાયક મૂડમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.

થાન પંથકમાં સિરામિક એકમનાં ૩૦૦થી વધુ કારખાનાં ધમધમી રહ્યાં છે જેમાં તૈયાર કરાતાં પોખરાં, વેસ્ટર્ન પોખરાં, ગેડી સહિતની ૧૦૦થી વસ્તુની વિશ્વભરમાં માંગ છે. અહીંયાંની ફૅક્ટરી સાથે જાેડાઈને ૪૫ હજારથી વધુ લોકો રોજીરોટી રળી રહ્યા છે. ગૅસના ભાવમાં વારંવાર થતા વધારા સામે કાર્યવાહી કરવાના નક્કર ર્નિણય માટે બુધવારે થાનમાં ઉદ્યોગગકારોની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં આ બાબતે ચર્ચા કરીને છેક ગાંધીનગર સુધી પડઘો પાડવાની યોજના બનાવવામાં આવશે. ‘થાનના ઉદ્યોગકારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ચીન સહિતના દેશોમાં માલ સસ્તો બનાવીને વેચવામાં આવે છે. આથી આ વ્યવસાયને ખૂબ મોટી અસર પડી છે ત્યારે ગૅસના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે, તેને લઈને માલ મોંઘો પડે તેમ છે, જેથી વિશ્વના બજારમાં ટકવું મુશ્કેલ બની જશે.’ સરકારે સિરામિક ઉદ્યોગોને અપાતા ગૅસના ભાવમાં રૂ. ૪.૬૨નો વધારો ઝીંકી દેતાં થાનના સિરામિક ઉદ્યોગકારોના માથે રોજના રૂ. ૧૧,૦૮,૮૦૦ના ખર્ચનો બોજ આવ્યો છે. ગૅસના ભાવવધારાથી ધુંધવાયેલા ઉદ્યોગકારોએ આગળની રણનીતિ નક્કી કરવા બુધવારે તાકીદની બેઠક બોલાવી છે. રો મટિરિયલમાં થયેલા ૬૦ ટકા જેટલા ભાવવધારા સામે ઝઝૂમતા સિરામિક ઉદ્યોગ માટે ગૅસના ભાવનો વધારો ‘પડ્યા પર પાટું’ જેવો ઘાટ ઘડાયો છે. વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકારે એકમોને ગૅસલાઇનની સુવિધા આપી હતી ત્યારે ૧ કિલો ગૅસના રૂ. ૧૩ ભાવ હતો જ્યારે તાજેતરમાં રાતોરાત ગૅસના ભાવમાં રૂ. ૪.૬૨ વધારો ઝીંકી દેવાયો છે. આ કારણે વર્તમાન સમયે ઉદ્યોગકારોને રૂ. ૩૫.૧૪ના ભાવે ૧ કિલો ગૅસ મળતો હતો, તે હવે રૂ. ૩૯.૭૬ ચૂકવવા પડશે. વર્તમાન સમયે એકમોમાં રોજ ૨.૪૦ લાખ કિલો ગૅસનો વપરાશ છે. આ જાેતાં જૂના ભાવ મુજબ ઉદ્યોગકારો રોજ ગૅસના રૂ. ૮૪,૩૩,૬૦૦ ચૂકવતા હતા પરંતુ ભાવવધારો થતાં રૂ. ૯૫,૪૨,૪૦૦ ચૂકવવા પડશે. આમ રોજ રૂ. ૧૧,૦૮,૮૦૦ વધારે ચૂકવવા પડશે. તે જાેતાં મહિને રૂ. ૩.૩૨ કરોડથી વધુનો ખર્ચ માત્ર ગૅસ પાછળ વધી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઑગસ્ટ, ૨૦૨૦માં ગૅસનો ભાવ રૂ. ૨૬.૦૮ હતો જે ૨ વર્ષમાં વધીને રૂ. ૩૯.૭૬ થઈ ગયો છે. આમ, કોરોનાના કપરા સમયમાં ગૅસના ભાવમાં રૂ. ૧૩.૦૭નો વધારો કરી દેવાયો છે.