લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
2475
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં કેપ્ટન પર ચપ્પુ વડે હુમલો કરી પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરનારા કો-પાઈલટ અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઘટનાના ત્રણ દિવસ બાદ હુમલાખોર કો-પાઈલટની ઓળખ હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હમામ અલ-હમ્મામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો અને તેની આ માનસિકતાના કારણે જ ઓમાને અગાઉથી તેના વિમાન ઉડાડવા પર પ્રતિબંધ (બેન) મૂકી દીધો હતો. તેમ છતાં ફ્લાયદુબઈ એરલાઈન્સે તેને નોકરી પર રાખીને UAE અને ઈઝરાયેલ જેવા અત્યંત સંવેદનશીલ રૂટ પર વિમાન ઉડાડવાની જવાબદારી સોંપી દીધી હતી.બુધવારે બનેલી આ ઘટના બાદ ગુરુવારે સાઉદી અરેબિયા દ્વારા શકમંદ કો-પાઈલટને સંયુક્ત અરબ અમિરાતને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલની તપાસ એજન્સીઓ અને તપાસકર્તાઓUAE પહોંચીને આ કટ્ટરપંથી કો-પાઈલટની આકરી પૂછપરછ કરશે.આ ઘટના પાછળ કોઈ મોટું આતંકી કાવતરું, આંતરરાષ્ટ્રીય ઈશારો કે પૂર્વ આયોજિત પ્લાન હતો કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.UAE ના વિદેશ મંત્રાલય અને સત્તાવાર એજન્સીઓએ આ ઘટનાની તપાસ ‘ટેરર એક્ટ’ અને ‘સેફ્ટી ઈન્સિડન્ટ’ ના અંક હેઠળ શરૂ કરી દીધી છે.હવામાં મિડ-એર ડ્રામા સર્જાયો ત્યારે ફ્લાયદુબઈના જાંબાઝ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ક્રૂ મેમ્બર્સે અસાધારણ હિંમત દર્શાવી હતી. કો-પાઈલટે કોકપિટમાં કેપ્ટન પર ચપ્પુથી હુમલો કરી વિમાનને નીચે જમીન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યાે હતો.પરંતુ, વિમાનમાં મુસાફરી કરી રહેલા અનામત (રિઝર્વ) પાઈલટ અને ક્રૂ મેમ્બર્સે મુસાફરોની મદદથી કટ્ટરપંથી કો-પાઈલટને કાબૂમાં લઈ લીધો હતો. ત્યારબાદ પ્લેનનું નોર્થ-વેસ્ટ સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેથી ૧૭૦ થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો હતો.
UAE સરકારે કેપ્ટન સ્મિતને ‘રીયલ હીરો’ ગણાવ્યા છે.આ ઘટના બાદ એરલાઈન ક્ષેત્રે મોટો વિવાદ ઊભો થયો છે. ઓમાને હમામ અલ-હમ્મામીની કટ્ટરપંથી પૃષ્ઠભૂમિને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, આ માહિતી અન્ય દેશો કે એરલાઈન્સ સાથે શેર કરાઈ હતી કે કેમ અને ફ્લાયદુબઈએ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન વિના તેને સંવેદનશીલ રૂટ પર ફ્લાઈટ કેમ સોંપી તે અંગે હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.