લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026 |
3663
ત્રણ મેચોની ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શ્રીલંકાને ૧૧૯ રને હરાવ્યું હતું. સાઉથમ્પટનમાં મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પૂર્વ કેપ્ટન જાેસ બટલરના ૪૪ બોલમાં ૮૦ રન અને વર્તમાન કેપ્ટન હેરી બ્રુકના ૪૯ બોલમાં અણનમ ૧૧૪ રનની મદદથી ૪ વિકેટે ૨૫૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડના બોલરોએ મુલાકાતી ટીમને માત્ર ૧૯ ઓવરમાં ૧૩૫ રનમાં આઉટ કરી દીધી. સોની બેકર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ૪ ઓવરમાં ૧૨ રન આપીને ૩ વિકેટ ખેરવી હતી. લિયામ ડોસન અને જેમી ઓવરટનને ૨-૨ વિકેટ મળી હતી. મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા હેરી બ્રુકે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે તેની બીજી ટી૨૦ સદી માત્ર ૪૨ બોલમાં પૂરી કરી. તેની ૧૧૪ રનની અણનમ ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી બ્રુક અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેની છેલ્લી ૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં તેણે બે સદી અને બે અર્ધસદી ફટકારી છે. હેરી બ્રુક માત્ર ટી૨૦માં જ નહીં પરંતુ વનડે અને ટેસ્ટમાં પણ આશાસ્પદ ખેલાડી છે.