અંબાજી પંથકમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અંબાજી–હિંમતનગર હાઇવે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   1782

માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી અને અનેક નાનાં-મોટાં વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. માર્ગ પર પાણી ભરાવાના કારણે અનેક ચાર પૈડાંવાળા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. ઉપરાંત એસ.ટી. બસો તેમજ ખાનગી લક્ઝરી બસો પણ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંબાજી–હિંમતનગર હાઇવે પર ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વર્ષોથી યથાવત રહેલી આ સમસ્યાના કારણે હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતો હોય છે. રાહદારીઓ, વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આગામી ભાદરવી પૂનમના મહામેળા પહેલાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોવાથી હાઇવે પર જ્યાં વરસાદી પાણી ભરાય છે તે સ્થળનું યોગ્ય પુરાણ કરી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. સ્થાનિકોનું માનવું છે કે જાે સમયસર યોગ્ય કામગીરી કરવામાં આવશે તો ભાદરવી પૂનમ દરમિયાન યાત્રાળુઓ તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે અને હાઇવે પર વાહનવ્યવહાર પણ સરળતાથી ચાલુ રહી શકશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution