લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
3465
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે પશ્ચિમ રેલવેનાં મુંબઈ સેન્ટ્રલ મંડળનું ટ્રેન સંચાલન ખોરવી નાખ્યું છે. મંગળવારે સાંજથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે બુધવારે પણ ટ્રેનોનું સંચાલન ગંભીર રીતે પ્રભાવિત રહ્યું હતું. વંદે ભારત સહિત કુલ ૩૯ ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે અનેક ટ્રેનોને ટૂંકા અંતર સુધી દોડાવવામાં આવી અથવા તેમના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે સચિન અને ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચે આવેલા બ્રિજ નં. ૪૨૮ પર પૂરનું પાણી જાેખમી સપાટીને વટાવી ગયું હતું. પાણી સ્ટીલ ગર્ડરના નીચેના ભાગ સુધી પહોંચી જતાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંગળવારે સાંજે ૭ વાગ્યાથી ટ્રેન વ્યવહાર તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ ભેસ્તાન-ઉધના વિભાગમાં પણ ભારે જળભરાવ થતાં અપ અને ડાઉન બંને લાઇન પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરાઈ હતી.
લગભગ ૧૨ કલાક સુધી આ વ્યસ્ત રેલમાર્ગ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ રહ્યો હતો. બુધવારે સવારે પાણીનું સ્તર ઘટતાં સવારે ૬.૫૦ વાગ્યે ટ્રેકની તપાસ શરૂ કરવામાં આવી હતી. ટ્રેનોના રેક ઉપલબ્ધ ન હોવા અને સંચાલનમાં અવરોધ સર્જાતા વંદે ભારત, ડબલ ડેકર, કર્ણાવતી અને સયાજીનગરી એક્સપ્રેસ સહિત કુલ ૩૯ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઉપરાંત ૨૧ ટ્રેનોને ગંતવ્ય પહેલાં જ રોકી દેવામાં આવી અથવા તેમના પ્રસ્થાન સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે ૪૬ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ટ્રેન વ્યવહાર ખોરવાતાં સુરત રેલવે સ્ટેશન પર આશરે ૭૦ હજાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મુંબઈ-અમદાવાદ તેમજ ગુજરાત રૂટની લાંબા અંતરની અનેક ટ્રેનોને વાપી, વલસાડ, દહાણુ રોડ અને સુરત સ્ટેશન સુધી જ મર્યાદિત રાખવામાં આવી હતી. સુરત રેલખંડમાં પાણી ભરાવાને કારણે રાજસ્થાનથી મુંબઈ અને ગુજરાત તરફ દોડતી અનેક મહત્વની ટ્રેનોનું સંચાલન પણ પ્રભાવિત થયું હતું. જાેધપુર-બાંદ્રા ટર્મિનસ, અજમેર-બાંદ્રા ટર્મિનસ, શ્રીગંગાનગર-દાદર, હનુમાનગઢ-દાદર, દિલ્હી સરાય રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર-બાંદ્રા ટર્મિનસ જેવી ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર જ સમાપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત, ડબલ ડેકર, કર્ણાવતી એક્સપ્રેસ, દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, સુરત-મંગલુરુ એક્સપ્રેસ તેમજ દહાણુ રોડ, પનવેલ, વસઈ રોડ અને બોરીવલી વચ્ચે દોડતી નવ મેમુ ટ્રેનો પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી.