ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ : હેલ્મેટ પહેરજાે નહિ તો મેમો ઘેર આવશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   3168

નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૦ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી એક ખાસ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતી સીમિત ન રહેતાં, ખેડા જિલ્લાના તમામ તાલુકાઓ અને દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એકસાથે કડક રીતે અમલી બનાવવામાં આવી રહી છે. ડ્રાઈવના ભાગરૂપે ખેડા, ઠાસરા,ડાકોર,સેવાલિયા,કઠલાલ,મહેમદાવાદ,મહુધા, નડિયાદ, માતર, કપડવંજ સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા મુખ્ય ચોકડીઓ અને હાઈવે પર સઘન ચેકિંગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. ખેડા-વડાલા પાટિયા પાસે કરાયેલા ચેકિંગ દરમિયાન જ હેલ્મેટ વગર નીકળેલા આશરે ૫૦ જેટલા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને સ્થળ પર જ ઓનલાઈન મેમો ફટકારવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ રીતે દંડનીય કાર્યવાહી અને ઓનલાઈન મેમો આપવાની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો કે મેમો આપવાનો નથી, પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ વાહનચાલકોને અટકાવીને હેલ્મેટના ફાયદા અને માથાની ગંભીર ઈજાઓથી બચવા અંગેનું મહત્વ પણ સમજાવી રહ્યા છે.”

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution