દિલ્હી-

ફ્યુચર રીટેલની સાથેનો રીલાયન્સ રીટેલનો સોદો ઘોંચમાં પડી ગયો છે. આ કંપનીઓ વચ્ચેના થનારા સોદાને એમેઝોન દ્વારા સીંગાપોરની કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેના દ્વારા આ સોદા પર વચગાળાનો સ્ટે ઓર્ડર અપાયો છે, જેને લાગુ કરવા માટે કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજ કરી હતી. 

ઈ-કોમર્સ સુપર કંપની એમેઝોનની અરજ પર સુનાવણી કરતા હાઈકોર્ટના જજ જે આર મિધાએ કહ્યું હતું કે, એમેઝોનના અધિકારોની રક્ષા માટે વચગાળાનો હુકમ અપાય એ જરૂરી છે. બચાવપક્ષને કોર્ટે યથાસ્થિતી જાળવી રાખવા આદેશ આપ્યો છે. 

સિંગાપોરના પંચાટ મંચે ફ્યુચર જૂથને રીલાયન્સ જૂથ સાથેનો તેનો પ્રસ્તાવિત 24,713 કરોડનો સોદો રોકવા આદેશ કર્યો હતો. કિશોર બિયાણી જૂથના ફ્યુચર જૂથને સોદો રોકવા આદેશ અપાય એવી વિનંતી એમેઝોન દ્વારા સિંગાપોરના પંચાટ મંચને કરાઈ હતી. હાઈકોર્ટે આ બાબતે લાગતા-વળગતા તમામ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, સિંગાપોરના પંચાટ મંચના આદેશથી વિપરીત હોય એવી તમામ કાર્યવાહીને તેઓ હાલ પૂરતી સ્થગિત કરી દે.