લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
1485
મહાનગર પાલિકાનાં પૂર્વ કમિશનરનો ભોગ લેનાર બહુચર્ચિત નાસિરનગર ડીમોલિશનકાંડમાં રાજ્ય સરકારે નીમેલી હાઇલેવલ કમિટીએ આજે ગાંધીનગર ખાતે પોલીસતંત્રનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી રાજદીપસિંહ નકુમ તેમજ સુરત મહાનગર પાલિકાની કમિટીનાં સભ્યો તથા સસ્પેન્ડેડ અધિકારીઓને તપાસ્યા હતાં. પ્રિન્સિપલ સેક્રેટરી થેન્નારસન અને રાજકુમાર બેનિવાલની કમિટીએ તમામની પુછપરછ કરી ડીમોલિશન કેમ થયું અને કેવા સંજાેગોમાં થયું, કોના આદેશથી નાસિરનગરનાં રહિશોને ઘરવિહોણાં કરી નાંખવામાં આવ્યાં તે બાબતે તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સુરત મહાનગર પાલિકાનાં તત્કાલિન કમિશનર અને અધિકારીઓ તેમજ પોલીસ તંત્રનાં ઉચ્ચાધિકારીનાં મેળાપીપણામાં બિલ્ડરનાં લાભાર્થે નાસિરનગરમાં મકાનોનું ગેરકાયદે ડીમોલિશન કરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકાનાં કોઇ અધિકારીનાં આદેશ વિના આ ડીમોલિશન કરાયું હતું જે બાબતે હાઇકોર્ટમાં રિટ પીટિશન થતાં ચોંકાવનારા ખુલાસા થયાં હતાં. ડીમાર્કેશનનાં નામે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને સેન્ટ્રલ ઝોનનાં અધિકારીઓ, કર્મચારીઓએ ડીમોલિશન કર્યું હતું જેમાં નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, પી.આઇ. સોનારા અને તેમની ટીમે સ્થળ ઉપર હાજર રહી સ્થાનિક રહિશોને ધમકી આપી ડીમોલિશનની કામગીરી સરળ બનાવી હતી.
હાઇકોર્ટે આ ગેરકાયદે ડીમોલિશનની ગંભીર નોંધ લઇ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને સરકાર વિરૂદ્ધ આકરાં શબ્દોમાં ટીપ્પણી કરતાં સરકારે નાગરાજનની તો બદલી કરી સાથો સાથ ડીમોલિશનકાંડની સાચી વિગતો બહાર લાવવા પ્રિન્સિપલ સેક્રેટરી થેન્નારસન અને રાજકુમાર બેનિવાલની બે સભ્યોની હાઇલેવલ કમિટી નીમી બે મહિનામાં રીપોર્ટ સબમિટ કરવા આદેશ કર્યો હતો. થેન્નારસન અને રાજકુમાર બેનિવાલની કમિટીએ આજે સૌપ્રથમ સુરત મહાનગર પાલિકાની કમિટીનાં સભ્યો તેમજ સસ્પેન્ડ થયેલાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ સહિત પાંચેય અધિકારીઓને આજે ગાંધીનગર બોલાવીને પુછપરછ કરવા ઉપરાંત દસ્તાવેજાેની પણ ચકાસણી કરી હતી. ત્યારબાદ મીના ગજ્જરનાં અધ્યક્ષપણા હેઠળની સુરત મહાનગર પાલિકાની કમિટીનાં સભ્યોની પુછપરછ કરી હતી. નમતી બપોર પછી ડીમોલિશનકાંડ સાથે સંકળાયેલાં ડીસીપી નકુમ અને સુરત શહેર પોલીસ તંત્રનાં કર્મચારીઓની પુછપરછ-તપાસ કરી હતી. ડીમોલિશનકાંડમાં ડીસીપી નકુમ અને તેમની ટીમની શું ભૂમિકા હતી, કોના આદેશથી અને કયા હેતુથી તેઓ નાસિરનગર ગયાં હતાં તે બાબતો પણ ચકાસવાની હોવાથી હાઇલેવલ કમિટીએ ડીસીપી નકુમને પણ ગાંધીનગર તેડાવ્યાં હતાં અને તેમની પણ પુછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાઇલેવલ કમિટીનાં રીપોર્ટ ઉપર હવે બધાની નજર છે.