/
હોટેલો ફૂલ, ઠેર-ઠેર એલ.ઈ.ડી સ્ક્રીન લાગ્યાં

વડોદરા, તા. ૧૮

આવતીકાલે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ રમવાની છે. ત્યારે સમગ્ર દેશમાં તેનો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ચારે તરફ તેની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજવાની છે. જે ભારતના જીતની આશાવાદ સાથે વડોદરાના ક્રિકેટ રસીકો દ્વારા ઠેર ઠેર મહોલ્લામાં એલઇડી સ્ક્રીન, પીવીઆરમાં સ્ક્રીન તેમજ ભારતીય ટીમની જીત થાય તે માટે આજથી લોકોએ મંદિરોમાં હવન કરીને જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. બીજી બાજુ ક્રિકેટ વર્લ્ડ કપમા વિજય અંગે સટ્ટાબજારમાં પણ ગરમ વાતાવરણ છવાયું છે, જેમાં ભારત હોટ ફેવરિટ ચાલી રહ્યું છે. ભારતનો ભાવ ૫૦ પૈસાનો છે. એવો અંદાજ છે કે રવિવારે સટ્ટાબાજાે કરોડો રૂપિયાનો સટ્ટો ખેલી નાખશેે.

આવતીકાલે ભારતીયો માટે ખાસ દિવસ છે, કેમ કે, ભારતીય ટીમ ૧૨ વર્ષ બાદ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમી રહી છે, ૨૦૧૧ બાદ કાલે રોહિત શર્માની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરાશે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ આ મેચ પહેલા અમદાવાદ અને સમગ્ર ગુજરાત સહિત વડોદરાની હૉટલોના ભાવો આસામને પહોંચ્યા છે. ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચને નિહાળવા માટે હવે લોકોએ વડોદરાની પણ હૉટલો બુક કરાવી લીધી છે.

વડોદારા શહેરની હૉટલોના રૂમના ભાડામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. શહેરની તમામ હૉટલો હાઉસફૂલ થઇ ગઇ છે. અહીં એક દિવસનું હૉટલના રૂમનું ભાડું વધીને ૬,૦૦૦થી ૨૧,૦૦૦ સુધી પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે, ભારતીયો ઉપરાંત અમેરિકા, યુકે સહિતના દેશોમાં વસતા ક્રિકેટપ્રેમીઓ એનઆરઆઈનો જમાવડો આ દરમિયાન થવાનો છે, જેના કારણે શહેરની કેટલીય હૉટલના રૂમના ભાડામાં રાતોરાત વધારો થયો છે.

સટ્ટાબજારમાં ભારત હોટ ફેવરિટ ઃ ૫૦ પૈસા ભાવ

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઇનલ મેચમાં સ્થાનિક દર્શકોની સહાનુભૂતિ મળતી હોવાના કારણે ભારત હોટ ફેવરિટ મનાઇ રહી છે. આ ઉપરાંત ભારતીય ટીમનો ગ્રાફ શરૂઆતથી ઘણો ઉંચો છે. વર્લ્ડ કપ-૨૦૨૩ જીતવા માટે થનગનતી રહી છે. જેથી સટ્ટા બજારમાં પણ ભારતની ટીમ હોટ ફેવરિટ ગણાઇ રહી છે અને સટ્ટા બજારમાં ભારતીય ટીમનો ભાવ ૦.૫૦ પૈસા બોલાઇ રહ્યો હોવાનું કહેવાય છે. છતા કોઇ પણ બૂકીઓ ભારતીય ટીમ અંગે ભાવ લેવા મોટાભાગે તૈયાર થતા નહિ હોવાનું કહેવાય છે. આ સટ્ટા અંગે ભારતીય ટીમ હોટ ફેવરિટ હોવાના કારણે કોઇ બુકી મોટાભાગે ભારતીય ટીમ માટે સટ્ટો લેવા માટે તૈયાર થતા નથી. પરંતુ ઓસ્ટ્રેલીયાનો ટીમનો ભાવ ૨ રૂપિયા બોલાઇ રહ્યો હોવાનું માનવામાં આવે છે. જાેકે સટોડીયાઓને સટ્ટો ખેલતા રોકવા અને બુકીઓને દબોચવા અંગે તમામ સ્થાનિક પોલીસે પણ કમર કસી છે.

વિવિધ સ્થળો પર ક્રિકેટનું લાઈવ સ્ક્રીનિંગ જાેવા મળશે

અમદાવાદ ખાતે યોજાનાર વર્લ્ડ કપને શહેરમાંથી નિહાળવા માટે વિવિધ વિસ્તારો જેમ કે અકોટા સ્ટેડિયમ, કમાટીબાગ ખાતે પાલિકા દ્વારા તેમજ નિઝામપુરા, વાઘોડિયા રોડ ઉપરાંત વિવિધ રેસ્ટોરાં, ફાર્મ હાઉસ અનેે ચિમનાબાઈ ગૃહ ઉદ્યોગ ખાતે આવેલા ગજરા કેફેમાં પણ બપોરે બે વાગ્યાથી લાઈવ સ્ક્રીનિંગ જાેવા મળશે.

ભારત જીતે તે માટે હવન કરાયો

ભારત જીતે તે માટે અંબા માતાના મંદિરે ગાયત્રી હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે સિવાય દાંડીયાબજાર ખાતે આવેલાં શનિમંદિર ખાતે ભક્તોએ તેલ ચઢાવીને ભારતની ટીમ વિજયી બને તે માટે પ્રાર્થના કરી હતી. મુસ્લીમ બિરદારો દ્વારા પણ નમાઝ અદા કરીને ભારત જીતે તે માટે દુઆ માંગી હતી.

અમદાવાદ ક્રિકેટ જાેવા જવા માગતા ક્રિકેટ -રસિયાઓ માટે મધ્ય રેલવેની મોટી ભેટ

૧૯ નવેમ્બરે ફાઇનલ ક્રિકેટ મેચ માટે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (૦૧૧૫૩) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી ૧૮મી નવેમ્બર (શનિવાર) ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે અમદાવાદ, ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે ૬.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. પરંતુ ટ્રેન દાદર, થાણે, વસઈ સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે. તે પછી પરત ફરવા માટે અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (૦૧૧૫૪) ૧૯-૨૦ નવેમ્બર (સોમવારે) રાત્રે ૦૧.૪૪ કલાકે મુંબઈ માટે રવાના થશે. ઉપરાંત બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (૦૯૦૧૧) બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને ૧૮મી નવેમ્બર (શનિવાર)ના રોજ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે ૧૧.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે (૧૯ નવેમ્બર) સવારે ૦૭.૨૦ કલાકે અમદાવાદ પહોંચશે.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તહેનાત

૨૦૨૩ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત જીતે અને વડોદરાના ક્રિકેટ રસીકો દ્વારા ભારતની જીત બાદ બાઇક રેલી, ફટકાડા ફોડીને જીતની ઉજવણી કરે ત્યારે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસ ખડેપગે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાજર રહેશે.-અનુપમસિંહ ગેહલૌત, શહેર પોલીસ કમિશનર

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution