દશામાં મૂર્તિ વિસર્જન : બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   1782

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન કરવા આવેલા બે યુવાનોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. તહેવારના દિવસે જ પરિવારના બે દીકરાઓ ગુમાવતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના રહેવાસી આ બન્ને યુવકો વહેલી સવારે દશામાની મૂર્તિ પધરાવવા માટે સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. પૂજા-અર્ચના કર્યા બાદ નદીમાં મૂર્તિ વિસર્જન કરવા માટે તેઓ પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક પગ લપસતા કે ઊંડા પાણીનો અંદાજ ન આવતા બન્ને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. યુવકોને પાણીમાં ડૂબતા જાેઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી, જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇડર, હિંમતનગર અને વિજાપુરથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ તાલુકાની ફાયર વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે યુવકોના માત્ર મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ભારે જહેમત બાદ પણ તેમને બચાવી શકાયા નહોતા. હિંમતનગર પાલિકાની ફાયર ટીમના મયંક પટેલે જણાવ્યું હતું કે, દશામાના દસ દિવસના વ્રત પૂર્ણ થતાં આજે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના અનેક ભક્તો સપ્તેશ્વર ખાતે મૂર્તિ વિસર્જન માટે ઉમટી પડ્યા હતા, તે દરમિયાન આ કમનસીબ ઘટના બની હતી. યુવાન વયના બે સંતાનોના અકાળ અવસાનથી મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution