લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
1782
અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારિવારિક કલેશ અને ટ્રિપલ તલાકના કેસની અદાવતમાં જમાઈએ આવેશમાં આવી પોતાની સાસુ પર છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. હુમલો કર્યા બાદ આરોપી જમાઈ પોતાના ૩ વર્ષના પુત્રને સાથે લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી વિગતો અનુસાર, પીડિત પરિવારની પુત્રીના લગ્ન જૂહાપુરા વિસ્તારમાં રહેતા મુબશ્શીર સાહીદ બક્ષી સાથે થયા હતા. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી પત્ની છેલ્લા છ મહિનાથી પોતાના પિયરમાં રહેતી હતી. પત્નીએ પતિ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમજ ટ્રિપલ તલાકનો કેસ પણ કોર્ટમાં દાખલ કર્યો હતો. આ કેસની કોર્ટમાં મુદત હોવાના દિવસે જ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે આરોપી મુબશ્શીર સાહીદ બક્ષી પત્નીના પિયરે પહોંચ્યો હતો.આરોપીએ ઘરમાં ઘૂસીને પત્ની સાથે ગાળાગાળી કરી મારઝૂડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પુત્રીને બચાવવા વચ્ચે પડેલા ૫૩ વર્ષીય સાસુ પર આરોપીએ ઉશ્કેરાઈને ખિસ્સામાંથી છરી કાઢી પેટના ડાબી બાજુના ભાગે ઘા ઝીંકી દીધો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં સાસુ ઢળી પડ્યા હતા. બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ આરોપી પોતાના ત્રણ વર્ષના પુત્રને સાથે લઈ જતાં જતાં ‘આજે તો બચી ગઈ છે, હવે પછી જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી ભાગી છૂટ્યો હતો.ઘટના બાદ પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ મહિલાને એલ.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પીડિતાના નિવેદનના આધારે દાણીલીમડા પોલીસે આરોપી જમાઈ મુબશ્શીર સાહીદ બક્ષી સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.