/
સયાજીમાં મવાલીઓનો આતંક મહિલાની છેડતી કરી ભાગી ગયા

વડોદરા, તા.૫

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગુંડા, મવાલી અને ચીટરોનો અડ્ડો બન્યો છે. વારંવારની ઘટનાઓ બાદ શુક્રવારની રાત્રે બનેલી ઘટનાએ હોસ્પિટલની સિકયુરિટી અને પોલીસ ડયૂટી સામે સવાલો ઊભા કશ્વા છે. રાત્રિના ૧૨ વાગે તાત્કાલિક સારવાર બિલ્ડિંગમાં ચોથા માળે ઘૂસી ગયેલા મવાલીઓએ મહિલાની છેડતી કરી હતી જેને સિકયુરિટી અને પોલીસને સોંપવા છતાં મામલાનું ભીનું સંકેલી દેવાયું હતું.

સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે ઝડપી સારવારના રૂપિયા પડાવતી ટોળકી સક્રિય થઈ હતી અને સ્થાનિક કે અન્ય રાજ્યમાંથી સારવાર માટે આવતા દર્દીઓના સગાઓના રૂપિયા લઈ છૂમંતર થઈ જવાની અનેક ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાઈ ચૂકી છે. તબીબો કે સ્ટાફ સાથે વારંવાર અસભ્ય વર્તન કે ઝપાઝપીના બનાવો પણ બનતા હોય છે. જેને લઈને તંત્રે સિકયુરિટી વધારી હતી અને હોસ્પિટલની દરેક બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લગાવી દેવાયા હતા અને હોસ્પિટલ તંત્ર સુરક્ષિત હોવાની વાતો થતી હતી.

તેમ છતાં શુક્રવારની રાત્રે ઈમરજન્સી બિલ્ડિંગના ચોથા માળે સારવાર લઈ રહેલી મહિલાની સાથે રોકાયેલી મહિલા રાત્રિના સમયે ચા લેવા માટે નીચે ગઈ ત્યારે હોસ્પિટલની લૉબીમાં ઘૂસી ગયેલા ત્રણ મવાલીઓએ મહિલાને વારંવાર અડકી અડપલાં કરવાનું શરૂ કયું હતું. આ મહિલાએ મવાલીઓને તેમ નહીં કરવાનું જણાવ્યું હતું તેમ છતાં અડપલાં અને છેડતી ચાલુ રાખતાં મહિલા સ્થાનિક હોવાથી પતિ અને બનેવીને ફોન કરી બોલાવી લીધા હતા. મવાલીઓએ મહિલાનો પીછો નહીં છોડી લૉબીમાં જ આંટાફેરા મારતા રહ્યા હતા. પતિ અને બનેવીને ઈશારો કરી મવાલીઓને દેખાડતાં જ બંનેએ દોડીને મવાલીઓને ઝડપી પાડયા હતા, પરંતુ એક ભાગી છૂટયો હતો અને બે ઝડપાઈ ગયા હતા.

બંનેને નીચે લઈ જતાં પહેલાં ધોલધપાટ કરાઈ હતી અને સિકયુરિટી ગાર્ડ સમક્ષ લઈ જઈને આ લોકો હોસ્પિટલમાં મધ્યરાત્રિએ ચોથા માળે કેવી રીતે આવ્યા એવો સવાલ કયો હતો. પોલીસ ચોકીમાં હાજર પોલીસને પણ બોલાવી હતી અને મવાલીઓને આવવાનું કારણ પૂછયું હતું પરંતુ એનો જવાબ મવાલીઓ આપી શક્યા ન હતા. જેથી ઉશ્કેરાયેલા મહિલા પતિએ એમને પોલીસ મથકે લઈ જવાનું કહ્યું હતું પરંતુ સિકયુરિટી ગાર્ડ અને પોલીસે મળી ભીનું સંકેલી લીધું હતું અને મવાલીઓને છોડી મૂકયા હતા. આમ સયાજી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન મહિલા દર્દીઓ કે સાથે રહેનાર મહિલા પણ હવે સુરક્ષિત નથી એવું ભોગ બનેલી મહિલા અને તેના પરિવારજનોનું માનવું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution