વડોદરા

કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. દેશના રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોના અંતર્ગત આજે ૧૦૯ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૯,૩૫૨ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૭,૮૨૬ લોકો કોરોનાને માત આપી ચૂકયા છે. આજે ૬ વ્યક્તિઓના બિનસત્તાવાર મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં એકપણ મોત જાહેર ન કરતાં મૃત્યુઆંક ૨૨૯ પર સ્થિર રહ્યો હતો. આજે ૮૭ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૫ દર્દીઓ સરકારી, ૧૧ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૬૧ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૭,૮૨૬ થઈ હતી.

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ કવાર્ટર્સ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના કોયલી, શિનોર, પોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા, પાદરા સહિતના વિસ્તારોમાં કુલ ૪૦૫૬ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૯૪૭ નેગેટિવ અને ૧૦૯ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૯૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૫ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૧ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૦૯૦ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા ૧૦૯ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૦ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર ઝોનમાં ૧૮, પશ્ચિમ ઝોનમાં ૧૮ અને પૂર્વ ઝોનમાં ૧૫ કેસોનો સમાવેશ થાય છે.

સયાજી હોસ્પિટલની કોવિડ ટ્રાએજ સુવિધા ૮૦ વર્ષીય વૃદ્ધ દર્દી માટે આશીર્વાદરૂપ બની

વડોદરા. ડભોઈ તાલુકાના બારીપુરા ગામે રહેતા ૮૦ વર્ષીય વયોવૃદ્ધને કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને શ્વાસની તકલીફ શરૂ થતાં સૌ પ્રથમ ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરમાં શરૂ કરવામાં આવેલ ટ્રાએજ ખાતે એક કલાક સઘન તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, જે ટ્રાએજની સુવિધા વૃદ્ધ દર્દી માટે આશીર્વાદરૂપ બની હતી. જાે કે, દર્દીની પ્રથમ કલાકે તબિયત સ્થિર થતાં તેમના કોવિડ ચકાસણી માટે જરૂરી આરટીપીસીઆરના ટેસ્ટ માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટેસ્ટના પરિણામ પછી આગળની સારવાર માટે યોગ્ય વોર્ડમાં લઈ જવામાં આવશે તેમ તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. જાે કે, દર્દી મોટી ઉંમરના અને વિવિધ તકલીફો ધરાવતા પ્રથમ દર્દી માટે આ ટ્રાએજ સુવિધા જીવનરક્ષક બની હતી.