વડોદરા

કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. રાજ્ય અને સ્થાનિક તંત્ર કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે જેના પરિણામરૂપે કોરોના સંક્રમિતનો આંક ૧૦૦થી નીચે આવી રહ્યો છે અને કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૮૬ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૧,૪૯૪ પર પહોંચી હતી. આજે બિનસત્તાવાર મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો હતો. જેમાં પાંચ દર્દીઓ ૬૦ વર્ષથી ઉપરના, જ્યારે અન્ય ૬ દર્દીઓ ૬૦ વર્ષથી નીચે સમાવેશ થયો હતો. મોતને ભેટેલા દર્દીઓમાં તરસાલી, ગોરવા, મકરપુરા, ગાજરાવાડી અને ડભોઈનો સમાવેશ થયો હતો. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં કોઈપણ મોત જાહેર ન કરતાં મૃત્યુઆંક ર૩૭ પર સ્થિર રહ્યો હતો. આજે ૧૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જેમાં સરકારી હોસ્પિટલમાંથી ૧૯, ખાનગી હોસ્પિટલમાંથી ૩૮ અને હોમ આઈસોલેશનમાંથી ૬૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૧૯,૯૭૫ થઈ હતી.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે ગોરવા, નિઝામપુરા, છાણી, અમીતનગર, કારેલીબાગ, હરણી રોડ, ખોડિયારનગર, ફતેપુરા, પોલોગ્રાઉન્ડ, નવાપુરા, દંતેશ્વર, આર.વી.દેસાઈ રોડ, ફતેપુરા, રાજમહેલ રોડ, લાલબાગ, તાંદલજા અને સુભાનપુરા સહિત તેમજ ગ્રામ્યના સાવલી, ડભોઈ, પોર, કલાલી, શિનોર, બાજવા, પાદરા, જરોદ, સેવાસી સહિતના વિસ્તારોમાંથી કુલ ૩૬૨૨ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૫૩૬ નેગેટિવ અને ૮૬ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૮૨ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં ૪૯ વેન્ટિલેટર પર, ૧૩૦ ઓક્સિજન પર અને ૧૧૦૩ દર્દીઓ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા કોરોના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૩૦ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૬, ઉત્તર ઝોનમાં ૧૩, પશ્ચિમ ઝોનમાં ૧૪ અને પૂર્વ ઝોનમાં ૧૩નો સમાવેશ થાય છે.