રાનકુવા, ચીખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં દુકાનદારો દ્વારા દુકાનની આગળ બોર્ડ મૂકવામાં આવતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાની નોબત ઊભી થઈ છે.હાલે લગ્નની સિઝન શરૂ થતા જિલ્લાઓ તેમજ ગામોમાંથી લોકો ખરીદી કરવા માટે વ્યાપક પ્રમાણમાં આવતા હોય છે. ત્યારે મોટાભાગના વાહનો ચીખલી ગાર્ડનની આસપાસ તેમજ ગ્રામ પંચાયત કચેરી પાસે પાર્કિંગ કરતા હોય છે. આ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા દુકાનની બહાર પોતાની દુકાનનું માહિતી દર્શાવતું બોર્ડ ગોઠવી દેવાતા આ બોર્ડ વાહનોની અવર-જવર અને પાર્કિંગમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા આ પ્રકારે બોર્ડ મુકવા બાબતે પોલીસ અને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દુકાનદારો સામે લાલ આંખ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.