વલસાડમાં પતિએ પત્નીના ગર્ભસ્થ બાળકનો પિતા પોતે ન હોવાનો દાવો કરતાં મામલો ગૂંચવાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   1980

વલસાડ શહેરના મદનવાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીર વયે બંધાયેલા પ્રેમસંબંધ અને શારીરિક સંબંધો બાદ ગર્ભવતી બનેલી યુવતી સાથે પરિવારજનોએ લગ્ન કરાવ્યા હતાં. પરંતુ પત્નીને ૯ માસનો ગર્ભ છે ત્યારે અચાનક પતિએ આવનારા બાળકનો પિતા પોતે નથી તેવો દાવો કરતા ભારે વિવાદ સર્જાયો છે. મામલો જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના કુટુંબ સહાયતા કેન્દ્ર સુધી પહોંચતાં અંતે નવજાત બાળકના જન્મ બાદ ડી.એન.એ ટેસ્ટ કરાવવાના ર્નિણય સાથે કાયદેસરના સમાધાન લેખ પર સંમતિ સાધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વલસાડના મદનવાડ વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીને દોઢેક વર્ષ પહેલાં પારડી સાંઢપોર અને હાલ વશિયર ખાતે રહેતા ધોડિયા પટેલ સમાજના ૧૮ વર્ષીય યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. મુગ્ધાવસ્થામાં બંધાયેલા આ પ્રેમસંબંધ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતાં, જેના કારણે તરુણી ગર્ભવતી બની હતી. યુવતી ગર્ભવતી હોવાની જાણ થતાં જ પરિવારજનોએ સામાજિક રીતિ-રિવાજ મુજબ તેમના લગ્ન કરાવી આપ્યા હતાં. હાલ યુવતીને ૯ માસનો ગર્ભ છે અને તે પ્રસૂતિ માટે પોતાના પિયર ગઈ હતી. આ દરમિયાન પતિ બનનાર યુવાને અચાનક જ એવો ધડાકો કર્યો કે, પત્નીના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો પિતા તે પોતે નથી. પતિ અને સાસરિયાંની દગાબાજીથી નાસીપાસ થયેલી યુવતી પોતાના માતા-પિતા સાથે કુટુંબ સહાયતા કેન્દ્ર ખાતે પહોંચી હતી. કેન્દ્રની ટીમે બંને પક્ષના પરિવારજનોને રૂબરૂ બોલાવી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. પરંતુ તમામની હાજરીમાં પણ યુવાન પોતાની વાત પર મક્કમ રહ્યો હતો કે બાળક તેનું નથી. મામલો વધુ ગૂંચવાતાં કુટુંબ સહાયતા કેન્દ્રના કાર્યકરોએ વચલો માર્ગ કાઢ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, પ્રસૂતિ બાદ જન્મેલા નવજાત શિશુનો ડી.એન.એ ટેસ્ટ કરાવ્યા પછી જ સાચી હકીકત સામે આવશે. બંને પક્ષો આ પ્રસ્તાવ પર સંમત થયા હતાં. ત્યારબાદ તૈયાર કરવામાં આવેલા સમાધાન લેખમાં શરત રાખવામાં આવી છે કે, નવજાત શિશુનો ડી.એન.એ રિપોર્ટ આવ્યા બાદ તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution