લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, સપ્ટેમ્બર 2026 |
2673
ફ્લાયદુબઈની ફ્લાઈટFZ1073માં કોકપિટની અંદર કો-પાઈલટ સાથે લડાઈ કરીને આતંકવાદી હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર કેપ્ટન ભારતીય નાગરિક સ્મિત મચ્છાર છે. ઈઝરાયેલી મીડિયા ન્યૂઝ અને ચેનલ ૧૨ના અહેવાલો મુજબ, આ ઘટનામાં ચપ્પુના ઘા વાગવા છતાં ભારતીય કેપ્ટને ઈઝરાયેલના અધિકારીઓ જેને ‘બીજા ૯/૧૧’ જેવો હુમલો ગણાવી રહ્યા છે તેને રોકી લીધો હતો.
અહેવાલો અનુસાર, દુબઈથી તેલ અવીવ જઈ રહેલી આ ફ્લાઈટમાં ઓમાની નાગરિકતા ધરાવતા કો-પાઈલટે વિમાન હાઈજેક કરવાનો અને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોકપિટમાં બૂમાબૂમ સાંભળીને મુસાફરો પણ મદદ માટે દોડી ગયા હતા. ચપ્પુ વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા ભારતીય પાઈલટની સ્થિતિ ગંભીર હતી, પરંતુ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક ઈઝરાયેલી ડેન્ટિસ્ટ (દાંતના ડોક્ટર)એ તેમને પ્રાથમિક સારવાર આપીને તેમનો જીવ બચાવ્યો હતો. ઘટના બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઈઝરાયેલ, યુએઈ અને સાઉદી અરેબિયાના તપાસકર્તાઓ આ મામલે તપાસ ચલાવી રહ્યા છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં સાઉદી અરેબિયાના આકાશમાં એક અત્યંત સનસનાટીભરી અને હૃદયધડક ઘટના સામે આવી છે. વિમાનના ઓમાની કો-પાયલટે અચાનક છરી વડે ભારતીય મૂળના કેપ્ટન પર જીવલેણ હુમલો કરી વિમાનનો કબજાે લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય મૂળના બહાદુર કેપ્ટને ગંભીર ઈજાઓ છતાં અદભૂત સાહસ બતાવીને વળતો મુકાબલો કર્યો હતો. મુસાફરો અને ઓફ-ડ્યુટી પાયલટોની સમયસૂચકતાના કારણે એક મોટો વિમાન અકસ્માત અને સંભવિત હાઈજેકિંગની દુર્ઘટના ટળી ગઈ હતી.
હવામાં વિમાન પટકાવા લાગ્યું કોકપિટમાંથી ચીસો સંભળાઈ
મુસાફરોના જણાવ્યા મુજબ, વિમાન અચાનક જ ઝડપથી નીચે તરફ આવવા લાગ્યું હતું, જેનાથી મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એ જ સમયે કોકપિટમાંથી ચીસાચીસ અને મદદ માટેની બૂમો સંભળાવવા લાગી હતી. આગળની સીટ પર બેઠેલી એક મહિલા મુસાફરે કોકપિટમાં લોહી જાેતાં જ ‘મદદ કરો, મદદ કરો’ ની બૂમો પાડી હતી. આ સાંભળીને વિમાનમાં સવાર કેટલાક સાહસિક ઇઝરાયેલી મુસાફરો અને પાછળની સીટ પર મુસાફરી કરી રહેલા અન્ય ઓફ-ડ્યુટી પાયલટો તાત્કાલિક કોકપિટ તરફ દોડી ગયા હતા અને હુમલાખોર કો-પાયલટને દબોચી લીધો હતો.
હાઈજેકિંગનો કટોકટી કોડ ૭૫૦૦ને ફાઈટર જેટ્સનું ટેક-ઓફ
આ સંઘર્ષ દરમિયાન વિમાનમાંથી આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી કોડ ૭૭૦૦ અને હાઈજેકિંગ અથવા ગેરકાયદેસર દખલગીરી દર્શાવતો અત્યંત સંવેદનશીલ ‘કોડ ૭૫૦૦’ મોકલવામાં આવ્યો હતો. આ સિગ્નલ મળતા જ ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને ઇઝરાયેલી વાયુસેનાના ફાઇટર જેટે હવામાં ટેક-ઓફ કરી લીધું હતું. હુમલાખોરને કંટ્રોલ કર્યા બાદ, વિમાનમાં સવાર અન્ય પાયલટોએ કંટ્રોલ હાથમાં લીધો હતો અને બોઇંગ ૭૩૭ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
ભારતીય કેપ્ટનની હાલત ગંભીર, સુરક્ષા તપાસ તેજ
આ હિંસક ઝપાઝપીમાં ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છારને છરીના ઘા વાગવાથી ગંભીર રીતે ઘવાયા હતા. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક ઇઝરાયેલી ડેન્ટિસ્ટે તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. તાબુક એરપોર્ટ પર લેન્ડિંગ બાદ બંને પાયલટોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇઝરાયેલી તપાસ એજન્સીઓ હવે એ વાતની તપાસ કરી રહી છે કે એક વર્ષથી પણ ઓછા સમયથી ફ્લાયદુબઈમાં કામ કરી રહેલા આ ઓમાની કો-પાયલટે કયા હેતુથી આ હુમલો કર્યો હતો. ઇઝરાયેલ જતી ફ્લાઇટમાં તેને કઈ રીતે સુરક્ષા મંજૂરી મળી હતી.