લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026 |
2574
ગાંધીનગર જિલ્લામાં હોટલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ખાદ્યચીજાેની ગુણવત્તા જળવાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. લવારપુર તથા ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલી કુલ ૮ હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્યચીજાેની ગુણવત્તા ઉપરાંત સેનેટેશન અને હાઇજીનની સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત ક્ષતિઓ જાેવા મળતાં પાંચ હોટલ-રેસ્ટોરન્ટને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં લવારપુરની ગુજરાત ઢાબા, જય ભવાની કાઠીયાવાડી ઢાબા, મોટા ચિલોડા હાઇવેની હોટલ બ્લ્યુ રોક, શિહોલીની સ્વસ્તિક હોટલ અને મોટા ચિલોડાની શ્રી અભિનંદન ફાસ્ટફૂડનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ પેઢીઓને જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી છે. નોટિસ બાદ પણ સ્થિતિમાં સુધારો નહીં જણાય તો વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા પુરોહિત દાલબાટી, ઇન્ફીનીટી ફૂડ કોર્ટ અને ઝીબ્રાતા ફૂડ કોર્નરની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુરોહિત દાલબાટી ખાતેથી દાળ અને સેવ-ટામેટાના શાકના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત ઢાબા ખાતેથી રીંગણનું ભડથું અને પુલાવના નમૂના લેવામાં આવ્યા છે.આ તમામ નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.