ઈરાન હોર્મુઝમાં જહાજાે પાસેથી ટોલ વસૂલશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓગ્સ્ટ 2026  |   2277

ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજાે પાસેથી ટોલ એટલે કે ફી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, જે દેશોના જહાજાેને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી હશે, તેમની પાસેથી દરિયાઈ સેવાઓના બદલામાં શુલ્ક લેવામાં આવશે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કાશકવી અનુસાર, ફીના બદલામાં દરિયાઈ સેવાઓ, સુરક્ષા અને વીમા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, પર્યાવરણ સંબંધિત સેવાઓ અને ખાસ પરિસ્થિતિઓમાં ઇંધણ પણ આપવામાં આવશે. ચુકવણી ઈરાની રિયાલ અથવા ઈરાનની પસંદગીની અન્ય કોઈ કરન્સીમાં કરી શકાશે.

અમેરિકી નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર હવે ઈરાન સામે આર્થિક યુદ્ધના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બેસેન્ટના મતે, અમેરિકાનો હેતુ ઈરાનની કમાણીના મોટા માર્ગો બંધ કરવાનો છે. બેસેન્ટે કહ્યું કે અમેરિકા ઈરાન પર દબાણ વધારવા માટે તેની તમામ સરકારી એજન્સીઓ અને અધિકારોનો ઉપયોગ કરશે. તેમણે આ અભિયાનને ‘ઇકોનોમિક ડી-ડે’ ગણાવ્યું. આ પહેલા ટ્રમ્પે તેને કોઈ વિરોધી દેશ સામેની સૌથી મોટી આર્થિક કાર્યવાહી ગણાવી હતી અને અન્ય દેશોને ઈરાનને અલગ પાડવામાં સાથ આપવા અપીલ કરી હતી.

ઈરાને અમેરિકાની આર્થિક કાર્યવાહીમાં સાથ આપનારા ખાડી દેશોને ચેતવણી આપી છે. ઈરાનના નવા રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ મોહસેન રેઝાઈએ કહ્યું કે જે દેશ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં અમેરિકાનો સાથ આપશે, તેને દુશ્મન ગણવામાં આવશે.

 ઈરાની રિયાલનું ઐતિહાસિક પતન : ઇં૧ના ૨૦ લાખ રિયાલ!

અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા અત્યંત કડક નવા આર્થિક પ્રતિબંધો વચ્ચે ઈરાની ચલણ રિયાલની કિંમતમાં ઐતિહાસિક તારાજી સર્જાઈ છે. ઓપન માર્કેટમાં વેપાર શરૂ થતાં જ એક યુએસ ડોલર સામે ઈરાની રિયાલનો ભાવ તૂટીને ૨.૦૨ મિલિયન (લગભગ ૨૦ લાખ ૨૦ હજાર) રિયાલની રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકી ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન સામે નવા ઇકોનોમિક ડી-ડે પ્રતિબંધો લાવવાની ઘોષણા કરી છે, જેના કારણે યુદ્ધ, બે આંકડાના ફુગાવા અને આર્થિક મંદીનો સામનો કરી રહેલા ઈરાની નાગરિકોની દૈનિક જરૂરિયાતોની ખરીદી પણ પહોંચ બહાર થઈ ગઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution