લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુલાઈ 2026 |
2178
ખેડા જિલ્લામાં સાવર્ત્રિક ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેય તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેમદાવાદ તાલુકામાં રેકોર્ડબ્રેક ૨૦ ઇંચ અને માતર તાલુકામાં ૧૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નડિયાદ શહેરમાં પણ ૧૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અતિભારે વરસાદના પરિણામે ખેડા-ધોળકા હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત માતર-તારાપુર હાઈવે પર પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જાેખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. માર્ગો બંધ થવાના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. નડિયાદ શહેરની વાત કરીએ તો ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારી વાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ ચાર ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતાં નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતો વાહનવ્યવહાર તદ્દન ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના નિકાલ માટે પંપિંગ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે શરૂઆતમાં નિકાલની પ્રક્રિયા ધીમી પડી હતી, પરંતુ બાદમાં વરસાદનું જાેર ઘટતાં અને વિરામ મળતાં પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે, જેથી તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર સવારે ૮ વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
આણંદ શહેરમાં ૮ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી
છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથકમાં મનમૂકીને વરસાદ વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.જયારે આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી કરી વળતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જયારે લોટીયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આણંદ પંથક પર મેધરાજા મનમૂકીને વરસતા શ્રીકાર વર્ષા થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા.આણંદ શહેર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાતાં મનપાની પ્રિમોન્સુન કામગીરી પર અંગુલિનિર્દેશ થવા પામ્યાનું જાણવા મળેલ છે.ગતરાત્રીના શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એકનું મોત થયાનો બનાવ બન્યો હતો.