લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
1485
રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ અને તેના કાયદાકીય પડકારોના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં આક્રમક રોષ જાેવા મળી રહ્યો છે. સરકારે આ વિધેયક પરત ખેંચવાની જાહેરાત કરતાં ગઇકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હડતાળ પરત ખેંચવાનો ર્નિણય લેવાયો હતો. જાેકે, આ ર્નિણય બાદ આજે અમદાવાદ સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ સ્મોલ કોઝ કોર્ટ ખાતે વકીલોની બેઠકમાં ભારે વિવાદ સર્જાયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત કરવાનો ર્નિણય વકીલોએ એકમતે લીધો હતો અને ૧૦મી સુધી હડતાળ જારી રાખવાનો ર્નિણય વકીલોએ કર્યો, બપોરે પક્ષકારોને કોર્ટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી વકીલોની બેઠકમાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે સરકારે વકીલોની માંગ સ્વીકારી લીધી છે. પરંતુ હાજર વકીલોએ તીખો વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, “સરકારે જાે આ અંગે લેખિતમાં કંઇ આપ્યું હોય તો જાણ કરો અથવા મીટિંગની મિનિટ્સ દર્શાવો.” આ ઉગ્ર રજૂઆતો વચ્ચે બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોક્સી ઉશ્કેરાઇ ગયા હતા અને માઇક પડાવી લઇને “અમે હડતાળ પરત ખેંચીએ છીએ” તેમ કહી માઇક તોડીને બેઠક છોડી બહાર નીકળી ગયા હતા. પ્રમુખના આ વર્તનથી વકીલો વધુ ઉશ્કેરાયા હતા અને તેમને હોદ્દા પરથી બરખાસ્ત કરી હડતાળ ચાલુ રાખવા માટે બૂમાબૂમ કરી હતી. બપોરે ૩:૩૦ વાગ્યે મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા હતા અને સહી ઝુંબેશ ચલાવીને એડવોકેટ આઇ.ડી.પઠાણ, વિનોદ દીક્ષિત અને કલ્પેશ પટેલને સેશન્સ કોર્ટ બારના કાર્યકારી પ્રમુખ જાહેર કર્યા હતા.