લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
2475
બોડકદેવ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધને જમીનના કેસમાં ફસાવવા માટે પોતાના જીવિત પિતાનું નકલી ડેથ સર્ટિફિકેટ રજૂ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શેલા ગામની કિંમતી જમીન પચાવી પાડવાના મલિન હેતુથી આરોપી પુત્ર ખોડા રઘુનાથ દેસાઈએ પોતાના જીવિત પિતા રઘુનાથ દેસાઈનું ૧૫મી એપ્રિલ ૧૯૮૫ના રોજ મૃત્યુ થયું હોવાનું ફેક ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ નકલી પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સરકારી કચેરીઓ અને સબ રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆતો કરી જમીન પડાવવાના આશયથી ફેક ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
જમીનનું આ કૌભાંડ આચરવા માટે આરોપીએ વર્ષ ૧૯૯૧માં સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ અંગૂઠા અને નકલી સહીઓ વડે દસ્તાવેજાે તૈયાર કરાવ્યા હતા. જેમાં નકલી ખેડૂતો અને બનાવટી માલિકો ઊભા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ષડયંત્રમાં દિનેશ રામ પટેલ, જીવ આલુ ખોખર, નરેન્દ્રસિંહ અજીતસિંહ વાઘેલા, જમીન દલાલ ભાનુ વિજયસિંહ વાઘેલા અને નકલી ખેડૂત કાળુ દેસાઈ પણ સક્રિય રીતે સામેલ હતા.પોતાના આ કાળા ખેલને છુપાવવા અને નિર્દોષ લોકોને ફસાવવાના ભાગરૂપે મુખ્ય આરોપી ખોડા દેસાઈએ બોડકદેવમાં રહેતા ૭૨ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ નૈમિષ પટેલ તથા અન્ય કેટલાક લોકો સામે વર્ષ ૨૦૨૦માં બોપલ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી.જાેકે, પોલીસની તટસ્થ તપાસ દરમિયાન આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મૂળ ખેડૂત રઘુનાથ દેસાઈનું ૧૯૮૫માં મૃત્યુ થયું જ ન હતું. સત્ય સામે આવતા પોલીસે સાણંદ કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના પર સુનાવણી કરતા કોર્ટે બી-સમરી વિથ પ્રોસીક્યુશન મંજૂર કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આ આદેશની પ્રમાણિત નકલ મેળવ્યા બાદ ખોટા કેસનો ભોગ બનનાર વૃદ્ધ નૈમિષ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી ખોડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.