અમદાવાદ-

કોરોનાના કારણે લાૅકડાઉન બાદથી 19 જુલાઈ સુધી ટ્રેનો રદ થતા રેલવેએ 61.27 લાખ પેસેન્જરોને ટિકિટના કેન્સેશન ચાર્જ પેટે અમદાવાદ ડિવિઝનમાં 22.23 કરોડ સહિત પશ્ચિમ રેલવેમાં 399 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કોરોના મહામારીને પગલે લાૅકડાઉન જાહેર થયા બાદથી અમદાવાદ સહિત દેશભરમાં ટ્રેનોનું સંચાલન બંધ છે. જેના પગલે પેસેન્જરોએ રિઝર્વ કરાવેલી ટિકિટો કેન્સલ થતાં રેલવે પેસેન્જરોને ૧૦૦ ટકા રિફન્ડ ચૂકવી રહી છે. પશ્ચિમ રેલવેએ અત્યાર સુધી ટિકિટના રિફન્ડ પેટે પેસેન્જરોને ૩૯૯ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાઈરસને કારણે પશ્ચિમ રેલવેને આવક પેટે થયેલા 1797 કરોડના નુકસાનમાંથી સબઅર્બન સેક્શનમાં 263 કરોડનું તેમજ

નોનસબઅર્બન સેક્શનમાં 1521 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લાૅકડાઉન બાદથી 19 જુલાઈ સુધી ટ્રેનો રદ થતા રેલવેએ 61.27 લાખ પેસેન્જરોને ટિકિટના કેન્સેશન ચાર્જ પેટે અમદાવાદ ડિવિઝનમાં 22.23 કરોડ સહિત પશ્ચિમ રેલવેમાં 399 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. લાૅકડાઉન બાદ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. આ સમય દરમિયાન 1 મેથી અમદાવાદ સહિત દેશભરમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે. ત્યારબાદ 12 મેથી 30 રાજધાની સ્પેશિયલ ટ્રેનો અને 1 જૂનથી 200 મેલ એક્સપ્રેસ વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં વ્યસ્ત રૂટ પર વધુ ટ્રેનો શરૂ કરવાની કવાયત હાથ ધરી છે.

લાૅકડાઉન બાદ ૧ જૂનથી શરૂ થયેલી ટ્રેનોમાં લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેમાં શરૂઆતમાં રિઝર્વેશન કરાવનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી, પરંતુ હવે ટ્રેનમાં પેસેન્જરોની સંખ્યા ધીમેધીમે વધી રહી છે. અમદાવાદ સ્ટેશન પર હાલમાં દરરોજ સરેરાશ ૬૦૦થી ૭૦૦ પેસેન્જરો રિઝર્વેશન કરાવે છે. જ્યારે અમદાવાદ ડિવિઝનના ૪૫ સ્ટેશન પર આવેલા કુલ ૫૯ કાઉન્ટર પરથી રોજના સરેરાશ ૨૬૦૦થી ૨૭૦૦ પેસેન્જરો રિઝર્વેશન ટિકિટ બુક કરાવે છે.