લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026 |
1485
શહેરનાં આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય નારાયણ એસ્ટેટમાં પતરાનાં ગેરકાયદે બનાવાયેલાં સ્ટ્રક્ચરમાં ધમધમતા લેસપટ્ટીનાં ખાતામાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ કુલ ૯ ફાયર સ્ટેશનથી ૧૫ થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. ભારે જહમત બાદ ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લીધી હતી. જાેકે આ બનાવમાં એક વ્યક્તિ દાઝી ગયો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિ જીવ બચાવવા ચોથા માળેથી બાજુની બિલ્ડિંગમાં કૂદી જતા તેમને પણ ઈજા પહોંચી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ જ્યારે કોઈ ગંભીર ઘટના બને ત્યારે કામગીરી કરવા માટે ટેવાયેલા છે. જેના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે ટેમ્પલ સ્ટ્રકચરોનો રાફડો ફાટ્યો છે અને સુરત શહેરમાં હવે તો મિલકતો ઉપર પણ ગેરકાયદે પતરાના ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અગાસીનો ભાગ કવર કરી આડેધડ ખાતાઓ ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને આ દેખાતું નથી. જ્યારે ફરીથી તક્ષશિલા અગ્નિકાંડ જેવી કોઈ ગંભીર ઘટના સર્જાશે ત્યારે જ પાલિકાના અધિકારીઓ સફાળા જાગશે અને માત્ર દેખાવા માટે ટેમ્પરરી સ્ટ્રકચરો અને મિલકતો પર ગેરકાયદે પતરાના શેડ બનાવી ખાતાઓ ચલાવતા લોકો સામે કાર્યવાહી કરાશે તે નક્કી છે.
શહેરમાં આજે ફરી એકવાર મકાનમાં અગાસીમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલાં સ્ટ્રક્ચરમાં ધમધમતા લેસપટ્ટીના ખાતામાં ભીષણ આગની ઘટના બની છે. આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય નારાયણ એસ્ટેટમાં ખાતા નંબર ૪૦ માં વૈષ્ણવી લેસ ખાતું આવેલું છે. આજે બપોરના સમયે કર્મચારીઓ ખાતામાં કામ કરતા હતા ત્યારે અચાનક જ કોઈ કારણસર ખાતામાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લેસનું ખાતું આગની ઝપેટમાં આવી ગયું હતું. આ સમયે ખાતામાં કામ કરતો ૧૮ વર્ષીય સચિન શ્રીપાલ શરીરે દાઝી જતા ફાયર બ્રિગેડ વિભાગના જવાનો દ્વારા તેને રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ખાતામાં કામ કરતો રણજીત છેદીલાલ પાલ નામનો યુવક ચોથા માળેથી બાજુની બિલ્ડિંગમાં બીજા માળે જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેને હાથ અને પગમાં ફેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભીષણ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્વારા ડુંભાલ, માન દરવાજા, ઉધના, ડીંડોલી, મજુરા, પુણા, અશ્વનિકુમાર, નવસારી બજાર અને કતારગામ ફાયર સ્ટેશનથી કુલ ૧૫થી વધારે ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો કરી ભીષણ આગને કાબુમાં લીધી હતી.ભીષણ આગને પગલે ખાતામાં રહેલ લેસપટ્ટીનો જથ્થો તથા બોબીન અને મશીનરી સહિતનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.