લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026 |
1683
ત્રણ મહિના પહેલા થયેલાં લગ્નમાં અપાયેલા ૩૨.૫૦ લાખના કરિયાવરમાં કાર ખરીદવા રોકડા ૧૨.૫૦ રૂપિયા આપવા છતાં ૦૬ લાખની માગણી કરી પતિ તથા જેઠ-જઠાણીએ ભયંકર ત્રાસ અપાતાં પરિણીતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સચિન જીઆઇડીસી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના રહેવાસી આનંદ હરિનારાયણ સિંહે તેમની દીકરી પ્રિયાના લગ્ન એપ્રિલ ૨૦૨૬માં અભિષેક પ્રભંધસિંહ સાથે કરાવ્યા હતાં. લગ્નમાં આનંદ સિંહે સમાજના રીત રિવાજ અનુસાર ઘરવખરીનો સામાન, સોના-ચાંદીના દાગીના, રોકડા ૬.૧૦ લાખ રૂપિયા અને કાર લેવા માટે ૧૨.૫૦ લાખ રૂપિયા પણ આપ્યા હતા.
આ રીતે કુલ ૩૨.૫૦ લાખનાં કરિયાવર સાથે દીકરી પ્રિયાને સાસરે વળાવી હતી. બીઇ મીકેનીકલ થયેલો અભિષેક સુરત, સચિન જીઆઇડીસી ખાતે ગુજરાત ગેસ લિમિટેડમાં મિકેનિકલ પ્રોડક્શન એન્જિનિયર તરીકે નોકરી કરતો હોય લગ્ન બાદ પ્રિયા અભિષેકનાં સુરત, સચિન જીઆઇડીસી સ્થિત લક્ષ્મીવીલા ટાઉનશીપમાં રહેવા આવી હતી. અહી તે જેઠ-અક્ષય કુમાર પ્રભંધસિંહ તથા જેઠાણી-વંદના સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા માંડી હતી.
લગ્નના બારેક દિવસ બાદ પ્રિયાએ પિતાને કોલ કરી જણાવ્યું હતું કે, મારા પતિ તથા જેઠ અક્ષય તથા જેઠાણી વંદના દ્વારા લગ્નમાં તારા બાપાએ અમને મોટી ગાડીના બદલે નાની ફોર વ્હીલ ગાડી માટેના રૂપિયા આપ્યા છે, તેમ કહી મને મેણા ટોણા મારી હેરાન કરે છે, અને મને ખાવાનુ પણ આપતા નથી તેમ જણાવ્યું હતું. આ સાંભળી આનંદ સિંહે વેવાઇ પ્રભંધસિંહને વાત કરી હતી, તેમણે હું મારા દીકરા અને વહુંને સમજાવી દઈશ એવું આશ્વાસન આપ્યું હતું. જાે કે ત્યારબાદ પણ એ ત્રણેય જણાએ મોટી ગાડી માટે પૈસા લાવવા કહી પ્રિયાની સતામણી કરાતી રહી હતી.
પ્રિયાને પૂરતું જમવાનું પણ નહીં અપાતાં તેણીએ તેની માતા પુનમસિંહ અને ભાઇ સિદ્ધાર્થ સિંહને વાત કરી હતી. જાે કે, ગાડી માટે વધું ૦૬ લાખ રૂપિયા લાવવા કહી જુન મહિના સુધી હેરાનગતિ ચાલુ રહી હતી. જેથી આનંદ સિંહે ૧૩મી જુલાઇએ સુરત રહેતાં તેમના નાના ભાઈ દીપાંકર સિંહને કોલ કરી પ્રિયાના ઘરે જવા કહ્યું હતું. પ્રિયાના ઘરે ગયેલા દીપાંકર સિંહે જમાઇ તથા તેમના ભાઇ-ભાભીને સમજાવ્યા હતાં.
ત્યારબાદ ૨૨મી જુલાઇએ સવારે પ્રિયાએ તેના ભાઈ સિધ્ધાર્થને કોલ કરી પિતા સાથે વાત કરાવવા કહ્યું હતું. આનંદે વાત કરતાં તેણીએ કહ્યું કે, "પાપા તુમ જલદી આ જાવો, યે લોગ મુઝે જાન સે માર ડાલેંગે " જેથી આનંદે પહેલી ઓગષ્ટની ટિકિટ મળી છે અમે સુરત આવી પ્રશ્ન હલ કરી દઈશું એમ કહ્યું હતું. એ જ દિવસે બપોરે વેવાઇ પ્રભંધસિંહે આનંદને કોલ કરી જણાવ્યું હતું કે, તમારી છોકરીએ ફાંસો ખાઇ લીધો છે. આ સાંભળી આનંદે જમાઈ અને તેના ભાઈ-ભાભીને કોલ કર્યા પરંતુ કોઈ એ જવાબ આપ્યો ન હતી. બાદમાં આનંદ સમાજનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓને લઇ ગાડી ભાડે કરી સુરત આવ્યા હતા. કાર માટે વધુ છ લાખ રૂપિયાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારી પ્રિયાને આત્મહત્યા કરવા મજબૂર કરવા અંગે તેમણે જમાઇ તથા તેના ભાઈ-ભાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.