લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 |
1683
સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સ્ટાઇલ માર્કેટમાં મધરાતે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં આગ સામાન્ય હતી પરંતુ બાદમાં ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. મોડીરાત્રે ૧૦ ફાયર સ્ટેશનથી ૧૫થી વધુ ગાડીઓનો કાફલો ખડકેલી દેવામાં આવ્યો હતો. જાેકે આગે વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્વારા બ્રિગ્રેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને બાદમાં ૨૦ ફાયર સ્ટેશનથી ૩૦થી વધુ ગાડીઓનો કાફલો આગને કાબુમાં લેવા જાેતરી દેવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડ વિભાગના અધિકારીઓ અને જવાનોની ભારે જહેમત બાદ ૨૦ કલાકે આગ કાબુમાં આવી હતી. જાે કે મોડીરાત્રે પણ કૂલિંગની કામગીરી યથાવત છે. ૨૦ કલાકમાં ૨૦ લાખ લિટરથી પણ વધુ પાણીનો વપરાશ થઇ ગયો હતો.
ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે આશરે ૧૨:૫૨ વાગ્યે શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગી હોવાનો ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. શરૂઆતમાં પાંચથી છ ફાયર ફાયટર વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. જાેકે આગની ગંભીરતા સામે આવતા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.આગની ગંભીરતાને પગલે ધીમે ધીમે ફાયર બ્રિગેડના વાહનોની સંખ્યા વધારવામાં આવી હતી અને ઘટનાસ્થળે ૨૦ ફાયર સ્ટેશનથી ૩૦થી વધુ ગાડીઓ ખડકી દેવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ફાયટર ફાયટરો સાથે ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહયા હતા અને સંપૂર્ણ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગ ઊંચાઈ પર હોવાથી ફાયર વિભાગ દ્વારા ૪૫ મીટર અને બાદમાં ૭૫ મીટરનું ટર્નટેબલ લેડર સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી. દુકાનોની અંદર પેકિંગ મટીરિયલ સહિતની જ્વલનશીલ સામગ્રીનો જથ્થો હોવાના કારણે આગ ઝડપ ફેલાઈ રહી હતી. ફાયરબ્રિગ્રેડ વિભાગના જવાનો દ્વારા કેટલીક દુકાનોના શટર અને તાળા તોડીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત ૧૮ કલાક સુધી પાણીનો મારો કરી ભીષણ આગને કાબુમાં લેવામાં આવી હતી. જાેકે ત્યાં સુધીમાં છઠ્ઠા માળની મોટાભાગની દુકાન આગળની ઝપેટમાં આવી ગઈ હતી. ભીષણ આગને કાબુમાં લેવા માટે અંદાજિત ૨૦ લાખ લિટર કરતા પણ વધારે પાણીના જથ્થાનો વપરાશ કરવામાં આવ્યો હતો. માર્કેટની ફાયર સીસ્ટમ કામ કરતી ન હોવાથી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા માર્કેટની ફાયર એનઓસી રદ કરવામાં આવી છે અને સાથે સાથે નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટ સહીત સમગ્ર બિલ્ડીંગનો વપરાશ બંધ કરાવી દઈ જ્યાં સુધી ઈલેક્ટ્રિક સર્ટિફિકેટ તથા ફાયર એનઓસી નહીં મેળવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
અગાસીનાં સ્લેબમાં પડેલી તિરાડોમાંથી ધુમાડો બહાર નીકળ્યો, પિલર ફાટી ગયાં
બિલ્ડિંગનું સ્ટ્રક્ચર એટલી હદે નબળું પડી ગયું છે કે છઠ્ઠા માળે ભીષણ આગ બાદ અગાસીનાં સ્લેબની અંદર તિરાડો પડી ગઈ હતી અને તેમાંથી પણ ધુમાડા નીકળતા હોવાનું નજરે પડ્યું હતું. એટલું જ નહીં પરંતુ અંદર તમામ દીવાલોમાં તિરાડ પડી ગઈ હતી તથા પીલરો પણ ફાટી ગયા હતા. આ ઉપરાંત નીચેની લાદીઓ પણ તૂટી ગઈ હતી સાથે સાથે લોખંડની ગર્ડરો પણ વળી ગઈ હતી. ભીષણ આગને કારણે છઠ્ઠો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો.
આખી રાત વેપારીઓ માર્કેટ બહાર ઉજાગરો કરતાં નજરે પડ્યાં
શ્યામ સંગિની ટેક્ટાઈલ માર્કેટમાં રાત્રિનાં સુમારે આગ લાગવાની ઘટના સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. આ ઘટનાને પગલે કાપડ વેપારીઓનાં જીવ પણ તાળવે ચોંટ્યા હતા. ખાસ કરીને શ્યામ સંગિની માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારીઓને ઘટના અંગે જાણ થતાં જ તેઓ તાત્કાલિક માર્કેટ ખાતે ઘસી ગયા હતા. એક તરફ આખી રાત ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનાં ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા ત્યારે બીજી તરફ લાખો - કરોડો રૂપિયાનાં નુકસાન વચ્ચે વેપારીઓ ભારે હૈયે પોતા પાતાની દુકાનોમાં કેટલું નુકસાન થયું હશે તે અંગેની ચિંતામાં ગરકાવ નજરે પડ્યા હતા.