લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026 |
4950
શહેરનાં સારોલી વિસ્તારમાં કાપડ માર્કેટોમાં આગની ઘટનાઓનો સિલસિલો જારી રહ્યો છે. શ્યામ સંગિની માર્કેટમાં તાજેતરમાં જ ભીષણ આગની ઘટના બાદ આજે સવારે આ જ વિસ્તારમાં આવેલી સાલાસર ટેક્સ્ટાઇલ માર્કેટનાં પાંચમાં માળે આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. માર્કેટમાં હાજર વેપારીઓ, કારીગરો સહિત લોકોમાં આગની જાણ થતાં નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરી ૧૫ ફાયર સ્ટેશનની આશરે ૨૫ ગાડીઓ સાથે ૧૦૦થી વધુ જવાનોને ઘટનાસ્થળે ખડકવા પડ્યાં હતાં. આગમાં લાખો રૂપિયાનું કાપડ ખાક થઇ ગયું હતું.
ફાયર વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે આશરે ૧૧.૩૦ કલાકે સાલાસર ટેક્સ્ટાઇલ માર્કેટનાં પાંચમાં માળે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને અલગ-અલગ ૧૫ ગેટ પરથી ફાયર ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગનાં મોટાભાગનાં અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પાંચમાં માળે દુકાન નં. ૫૦૪૪થી ૫૦૪૭માં આવેલી દીપુ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આગ લાગી હતી. આગને કારણે માર્કેટનાં ઉપરનાં માળેથી ધુમાડાનાં ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. ફાયર જવાનોએ આગના સ્થળ સુધી પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને અન્ય દુકાનો તથા માળ સુધી ફેલાતી અટકાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને અંદાજે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ પણ ગરમી અને ધુમાડાને કારણે અંદાજે ત્રણ કલાક સુધી કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી. આગની વિકરાળતા પાછળ માર્કેટની દુકાનમાં બનાવવામાં આવેલા ગેરકાયદે માળિયા પણ જવાબદાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. માળિયામાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગને ફેલાવવા માટે ઇંધણ મળ્યું હતું. કાપડનાં જથ્થાને કારણે આગ વધુ ભીષણ બની હતી અને તેના પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને લાંબો સમય લાગ્યો હતો.