મુખ્યમંત્રી-વોલમાર્ટના ઇવીપી વચ્ચે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડમેપ અંગે બેઠક
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   2178

યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસે પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાન ફ્રાન્સિસ્કો બાદ વોશિંગટન ડી.સી. ખાતે વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે ફળદાયી વન-ટુ-વન બેઠક યોજી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના વિશાળ એમએસએમઇ સેક્ટર અને નાના કારીગરોને વૈશ્વિક સ્તરે નવી તકો પૂરી પાડવા તથા ગુણવત્તા સુધારણા અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. બંને પક્ષો વચ્ચે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ દરમિયાન આ સંદર્ભે સ્પષ્ટ રોડમેપ જાહેર કરવા સંમતિ સાધવામાં આવી છે. બેઠક દરમિયાન વોલમાર્ટના ઈવીપી ડેન બ્રાયન્ટે મુખ્યમંત્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે, વોલમાર્ટ તેના ‘વૃદ્ધિ કાર્યક્રમ’ અંતર્ગત વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૧.૧૫ લાખથી વધુ એમએસએમઇ એકમોને તાલીમ આપી ચૂક્યું છે, અને વર્ષ ૨૦૨૮ સુધીમાં આ સંખ્યા વધારીને ૧.૭૦ લાખ એમએસએમઇ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના એમએસએમઇ ઉદ્યોગો પોતાની ગુણવત્તા સુધારીને નિકાસની વૈશ્વિક તકોનો મહત્તમ લાભ લઈ શકે તે માટે રાજ્ય સરકાર સાથે ભાગીદારી મજબૂત કરવા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે વિશેષ વર્કશોપનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આગામી ૩થી ૪ મહિના દરમિયાન રાજ્ય સરકાર અને વોલમાર્ટ મળીને નાના કારીગરો અને ઉદ્યોગકારો માટે વૈશ્વિક બજારના દરવાજા ખોલવા માટે એક વિશેષ યોજના પર સાથે મળીને કામ કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution