મહાનગર પાલિકાનો સીક્યુરિટી ઓફિસર ૨૫ હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026  |   1881

સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં ફરજ બજાવતા સીક્યુરિટી ઓફિસરને રૂ.૨૫ હજારની લાંચ લેતા સુરત ગ્રામ્ય એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પત્નીની પ્રેગ્નન્સી સંબંધિત સારવાર માટે ફરિયાદીને અવારનવાર હોસ્પિટલ કે ડોક્ટર પાસે જવું પડતું હોવાથી તેને ફરજ દરમિયાન જવા દેવા તેમજ ગેરહાજરીનો મેમો નહીં આપવા બદલ સીક્યુરિટી ઓફિસરે લાંચની માગણી કરી હતી.

એસીબીના જણાવ્યા મુજબ, ફરિયાદ કરનાર પણ સુરત મહાનગર પાલિકામાં વોચ એન્ડ વોર્ડમાં જ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેની પત્ની પ્રેગ્નન્ટ હોવાથી ડોક્ટરી સારવાર માટે વારંવાર જવાની જરૂર પડતી હતી. આ દરમિયાન ફરજના સમય દરમિયાન બહાર જવા દેવા અને ગેરહાજરી બદલ કોઈ મેમો નહીં આપવા બદલ તાપીપુરા સ્થિત સુરત મનપાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં સીક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શૈલેષ મણીલાલ પારેખે રૂ.૨૫ હજારની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ સુરત ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. શૈલેષ પારેખે રૂ.૨૫ હજારની લાંચની માગણી કરી હતી. ફરિયાદી પાસેથી રૂ.૨૫ હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી લાંચની સમગ્ર રૂ.૨૫ હજારની રકમ પણ રિકવર કરવામાં આવી છે. આ કાર્યવાહી સુરત મનપાની મુગલીસરા ખાતે આવેલી સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં કરવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution